નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે પી એમ સ્વનિધિ (PM SVANidhi) યોજનાથી સમગ્ર દેશમાં 57 લાખથી વધુ શેરી ફેરિયાઓને ફાયદો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે યોજનાના લાભાર્થીઓમાં 45 ટકા મહિલાઓ છે અને 72 ટકા સીમાંત વર્ગના લાભાર્થીઓ છે. નવી દિલ્હીમાં નેશનલ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ 2023ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 80 લાખથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે અને 10 હજાર 58 કરોડ રૂપિયાની 76 લાખ 22 હજાર લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સંબોધતા પુરીએ શેરી ફેરિયાઓના સશક્તિકરણમાં પીએમ સ્વનિધિ યોજનાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે આ યોજના કોવિડ-19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી અને તે ઘણા લોકો માટે આશાનું કિરણ બની ગઈ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં, તેણે નોંધપાત્ર લોનનું વિતરણ કર્યું છે, ડિજિટલ વ્યવહારોની સુવિધા આપી છે અને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના દરવાજા પણ ખોલ્યા છે. હરદીપ સિંહ પુરીએ ટિપ્પણી કરી હતી કે આ યોજનાએ માત્ર નાણાકીય સહાય પૂરી પાડી નથી પરંતુ, દેશના શેરી ફેરિયાઓ માટે બજારની પહોંચ પણ વિસ્તરી છે.
નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા (NASVI) દ્વારા આ મહિનાની 31મી તારીખ સુધી નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલનો હેતુ સ્ટ્રીટ ફૂડ અને વિક્રેતાઓને ઓળખ આપવાનો છે. NASVI ના જણાવ્યા અનુસાર, સ્ટેડિયમમાં દેશભરમાંથી વિવિધ વાનગીઓ પીરસતા 80 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. લોકો 130 રૂપિયાની ટિકિટ સાથે બપોરે 12 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લઈ શકે છે.