Site icon Revoi.in

બનાસકાંઠાના પીપળી ગામે PM મોદી કાલે વર્ચુઅલ સંબોધન કરવાના હોય દિવાળી જેવો માહોલ

Social Share

પાલનપુર :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 2જી ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામજનો સાથે વચ્યુઅલી સીધો સંવાદ કરશે. આથી નાનકડાં પીપળી ગામે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે 2જી ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન થવાનું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે.

રાજ્યમાં આવતીકાલે 2જી  ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જયંતિ પ્રસંગે  સફાઇ અભિયાન સહિત રાજ્યની 14250 ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન સવારે 10 થી 11 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે. પંચાયત- ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન સાથે સીધા સંવાદમાં સમગ્ર ગુજરાતમાંથી બનાસકાંઠાની પીપળી ગ્રામપંચાયતની સારી કામગીરીને લઈને પસંદ કરાઈ છે, જેને લઈને આવતીકાલે  વડાપ્રધાન ઓનલાઈન પીપળી ગામના લોકો સાથે સંવાદ કરશે. આ કારણે હાલ નાનકડુ એવુ પીપળી ગામ સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યુ છે. જેને લઈને પીપળી ગામના લોકો સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી ફેલાઈ છે.

પાલનપુરનું પીંપળી ગામ દેશનું પ્રથમ ‘નીરોગી’ ગામ બન્યું હતું.  પીપળી ગામ નળ, ગટર, રસ્તા અને સફાઇમાં અવ્વલ છે. ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી, આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી, જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહિવત્ જેટલો છે.