- ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને મુશ્કેલી,
- આરોગ્ય સેવાનું સર્વર વારંવાર ઠપ થયાની અથવા ધીમુ ચાલતું હોવાની ફરિયાદો,
- સરકારી હોસ્પિટલોમાં તો સર્વર બંધના બોર્ડ જ લગાવી દેવામાં આવે છે,
અમદાવાદઃ આયુષ્યમાન ભારત યોજનાનું સર્વર બંધ રહેતુ હોવાથી આયુષ્યમાન કાર્ડ સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર પહેલા જ આયુષ્યમાન કાર્ડ માગી લેવામાં આવે છે. અને ઓનલાઈન સર્વર ધીમુ ચાલતું હોય અથવા તો સર્વર ઠપ હોવાથી દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડે છે. ગરીબ દર્દીઓની પૈસાના વાંકે સારવાર અટકે નહી તે માટે લાવવામાં આવેલી આયુષ્માન ભારત યોજનાની કામગીરી સાઈટ બંધ હોવાને લીધે ઠપ્પ થઈ છે. ભાવનગરના એક અરજદાર દ્વારા આરોગ્ય વિભાગમાં પત્ર લખવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલોએ સાઈટ બંધ હોવાથી યોજના હેઠળ સારવાર આપવાની ના પાડી છે જ્યારે બીજી તરફ સર ટી.હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં પણ સાઈટ બંધ હોવાના પાટિયા મુકવામાં આવતા ગરીબ દર્દીઓને સારવાર માટે હાલાકી વેઠવી પડી રહી છે.
પૈસાના વાંકે ગરીબ દર્દીઓની સારવાર અટકે નહી તે માટે લાવવામાં આવેલી આયુષ્માન ભારત યોજનાની કામગીરી સાઈટ વારંવાર બંધ રહેતી હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઓનલાઈન સર્વર ડાઉન હોવાના કારણે આ યોજના હેઠળ ગરીબ દર્દીઓને આપવામાં આવી રહેલી સારવારમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો સાઈટ પુનઃશરૂ થાય ત્યાં સુધી રાહ જોવડાવવામાં આવી રહી છે. આ મામલે ભાવનગર શહેરના એક અરજદાર દ્વારા આરોગ્ય વિભાગ ગાંધીનગરને પત્ર લખીને દર્દીઓને પડતી હાલાકી અંગે રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાનગી હોસ્પિટલો દ્વારા સર્વર શરૂ હશે તો યોજનાનો લાભ મળશે નહીતર પૈસા ભરીને સારવાર મેળવા અથવા સરકારી હોસ્પિટલમાં શિફ્ટ થવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ ભાવનગરની સૌથી મોટી સર ટી. હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડની કામગીરી બંધ હોવાના પાટિયા લગાવવામાં આવી દેતા દર્દીઓ માટે ‘જાયે તો કહા જાયે’ તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જોકે ગઈકાલે સાંજે સાઈટ પુનઃકાર્યરત થઈ હોવાના વાવડ વહેતા થયાં હતા પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નહોતી અને PMJAY’ની ઓનલાઈન કામગીરી બંધ છે’ હોવાના પાટિયા લાગેલા હતા.