Site icon Revoi.in

કવિ નર્મદની જન્મજ્યંતિઃ કોલેજકાળ દરમિયાન પાંચ- છ મિત્રો સાથે મળીને પુસ્તકાલયનો પ્રારંભ કર્યો હતો

Social Share

        *નર્મદ:જીવનભરનો જોદ્ધો*

આજે ડિજિટલ મીડિયાના જમાનામાં પત્રકારત્વના રંગઢંગ બદલાયેલા છે.સત્ય અને સત્વનું સ્થાન કોલાહલ અને કલેશે લઈ લીધુ છે ત્યારે ગુજરાતી પત્રકારત્વને દિશાનિર્દેશ કરનારા મહામાનવ પત્રકાર,કવિ નર્મદને તેમના ૧૯૨માં જન્મદિવસે અચુક યાદ કરવા પડે તેવી સ્થિતિ છે.આવો આ જીવનભરના જોદ્ધાના જીવન,ટેક અને પત્રકારત્વ પર એક દ્રષ્ટિપાત કરીએ.

મહામાનવ કવિ નર્મદ યાને નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ સુરતમાં પોતાના મોસાળ કોટવાલ શહેરી નામક મહોલ્લામાં ૧૮૩૩ના ઓગસ્ટની ૨૪ તારીખે એટલે કે વિ.સં. ૧૮૮૯ની પ્રથમ ભાદ્રપદના શુક્લ પક્ષની દશમ અને શનિવારે પ્રભાતના પહોરમાં થયેલો. પિતા લાલશંકર દવે મુંબઈમાં લહિયાનું કામ કરી રોટલો રળી લેતા. સતત પરિશ્રમી અને વ્યવહાર કુશળ પિતા સંસ્કૃત, મરાઠી લખી બોલી જાણતા. ‘પ્રેમાળ, ટેકી, ધીરી, સંતોષીને રસિક પ્રકૃતિના પિતાને’ સુધારો પણ એટલો જ સ્વીકાર્ય હતો. માતા નવદુર્ગા ઉર્ફે રુકમણી ‘સુઘડ, ઉદ્યમી, કરકસર સમજનારી ને સંતોષી હતી’. પુત્ર પર એની ધાક જબરી હતી. પુત્ર નર્મદને સ્વભાવ સહજ બેફિકરાઈ, જન્મસ્થળ સુરતનું ફક્કડપણું તથા પિતામહ પક્ષે કાવ્યજ્ઞાન અને અભ્યાસ પ્રવૃતિ,પિતૃપક્ષે પ્રેમ, ટેકીપણું અને સુધારકવૃત્તિ તેમજ માતૃપક્ષે પરોપકાર અને સંતોષ પ્રાપ્ત થયા હતા.

નર્મદે તેના કોલેજકાળ દરમિયાન પાંચ- છ મિત્રો સાથે મળીને ત્યાં પુસ્તકાલયનો પ્રારંભ કર્યો હતો. એજ મિત્રોએ ‘માંહોમાંહ લખતા, બોલતા અને વાદ કરતા શીખવા’ જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા સ્થાપેલી. આ સભા સમક્ષ નર્મદે એનું જાણીતું ‘મંડળી મળવાથી થતા લાભ’ આખ્યાન આપ્યું હતું. અહીં નર્મદની અંદર જાહેરમાં પોતાના વિચારો પ્રગટ કરવાની શક્તિ ખીલવવાના અને આવનારા દિવસોમાં તેના દ્વારા હાથ ધરાનારી સાહિત્યિક,પત્રકારત્વ અને સમાજસુધારાની પ્રવૃત્તિના બીજ મહદઅંશે રોપાઈ ગયા હતા.

ગુજરાતી પત્રકારત્વ,ગદ્યના આદ્ય પિતામહ નર્મદ અને તેના સાક્ષર મંડળના મિત્રોનું આગવું સાહસ “ડાંડિયો” એવા સમયે અસ્તિત્વમાં આવ્યો જ્યારે સમાજ કેળવણી પ્રત્યે ઉદાસીન હતો.વાચનનું પ્રમાણ નહીવત હતું, ગુજરાતી પત્રકારત્વ પારસી અને ખાસ કરીને મુંબઈના પારસી પત્રકારોના હાથમાં રમી રહેલું કાલુંઘેલું બાળક હતું. ધર્મના નામે શોષણ અને અનીતિના પડછાયા સમાજ પર ફેલાયા હતા.આવા સમયે ડાંડિયો એ  અહાલેક જગાવી, કલમના તેજાબી ચાબખા વિંઝીને ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડ્યા, ધર્મભ્રષ્ટ ધર્માત્માઓના પાપાચારો ખુલ્લા કર્યા.ગુજરાતી ભાષા અને સાહિત્યને બળકટ બનાવ્યા. આવો “ડાંડિયો” નર્મદના સમાજના અનિષ્ટો સામેના અઘોષિત યુદ્ધનું યુગલ બન્યો.

“ડાંડિયો”ના જન્મની કહાણી પણ તેના અસ્તિત્વ જેટલી રસપ્રદ છે. ધાડ-ચોરીના ભય સામે સુરતમાં અરદેશર કોટવાલના જમાનાથી ડાંડિયોની વ્યવસ્થા શરૂ થઈ હતી. દલિત કોમનો ડાંડિયો રાત્રે બાર-બેના સુમારે પોતાના નિયત વિસ્તારમાં ઢોલ પર દાંડી પીટીને લોકોને જાગતા રહેવા ખબરદાર કરતો. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં સમાજમાં વ્યાપેલી અનીતિ, ભ્રષ્ટાચાર, પાખંડો, શોષણથી સમાજને બચાવવા એક “ડાંડિયો” જન્મ્યો. નર્મદ અને તેના પાંચ સાથીઓએ જનતાને ઢંઢોળવા વગાડેલું બ્યુગલ એટલે “ડાંડિયો”. ચોપાનીયા પર કલમની દાંડી પડતી અને ભલભલા ચમરબંધીના ગાત્રો ઢીલા થઈ જતા એવી તેની ધાક હતી.

“ડાંડિયો:નવજાગરણનું આખાબોલું ખબરદાર અખબાર”માં ડાંડિયોની વિશિષ્ટતાઓ નોંધતા સંશોધક ડો. રમેશ શુક્લ લખે છે કે “ડાંડિયો દાંડની સાથે દાંડ બનતો, તેના કરતુતોની  દાંડી પીટનારો અને ઉપરથી શબ્દના સોટા લગાવનારો એમ ત્રણ રીતે પોતે ડાંડિયો બન્યો છે એમ કહેવા સાથે તેણે પોતાની વિવેક મર્યાદા આંકી લીધી હતી.કુલીનતા, ઉચ્ચશિક્ષણ, નીતિનો આગ્રહ, દુનિયાદારીનું જ્ઞાન, સુખ-દુઃખનો અનુભવ ટેકીલાપણા માટેનો આદર અને વિદ્યાની સેવના એ સહુને કારણે વિના કારણ કોઈના પર હુમલો ન કરવો,સામાન્ય સ્ખલન માટે ઉદારતાથી ક્ષમાભાવ રાખવો; પરંતુ અજ્ઞાન, અનીતિ, વહેમ, અંધશ્રદ્ધા, ધુતારાપણું, લુચ્ચાઈને જાહેરમાં ફીટકારવામાં સંકોચ શરમ ન રાખવા…”

એ સમયે પત્રકારત્વમાં આજના જેવી આધુનિક અહેવાલ લેખન પદ્ધતિ સ્વાભાવિકપણે જ વિકસી ન હતી એટલે વ્યાખ્યાન શૈલીમાં રિપોર્ટિંગ થતું. ડાંડિયોના ખબરપત્રીઓ પણ અદભુત હતા. તેનો ‘વેતાળ’ પ્રતિનિધિ નગરચર્યા જોતો અથવા પોતાને ‘રાજા વીરવિક્રમ’ માનતા આ ખબરપત્રી રાજજાઓ જાતે અંધારપછેડી ઓઢી માહિતી ભેગી કરતા અને બીજા અંકમાં સારું નરસું જે જોયું હોય તેની દાંડી પીટતા. ‘ડાંડિયો’ ના જે તે અંક માટે કોણે પ્રદાન કર્યું છે તેની જાણકારી માટે બારાક્ષરીનો એક જ અક્ષર મૂકવામાં આવતો.

દર પંદર દિવસે પોતાની આગવી શૈલીમાં સનસનાટી મચાવતો ,વિચારદોહનની સામગ્રી પૂરી પાડતો ડાંડિયો ઝડપથી લોકપ્રિય થઈ પડ્યો હતો. નર્મદાશંકરે નોંધ્યું છે તેમ ‘ડાંડિયાની ભાષા ને ડાંડિયાના વિષયો બંનેની ઢબ જ એવી છે કે જેથી તે થોડી મુદતમાં આખી મુંબઈમાં, આખા ગુજરાતમાં, આખા કાઠિયાવાડ અને આખા કચ્છ હાલારમાં અમરસિદ્ધિ પામી ચૂક્યો છે’. અને પછી ઉમેરે છે; ‘જેમ મોર બપૈયા મેઘને માટે આતુર હોય છે તેમ ગરીબ, તવંગર, મૂરખ, ભણેલ, સ્ત્રીને પુરુષ સહુ પેહેલી પંદરમીના ડાંડિયાને માટે વાટ જોતા બેસી રહે છે’.

આવું ઉત્તમ અખબાર વાંચનારા ત્રણ  જ હાજર હતા અને ખરીદનારા કેવળ ત્રણસો. લવાજમ ભરવામાં ગ્રાહકો દ્વારા થતી પાછીપાની અને ડાંડિયાના સંચાલકને માટે નાણાકીય સહાય માટે શેઠિયા-શ્રીમંતો પાસે ખાવા પડતા ધક્કા અને અપમાન અસહ્ય હતા. જોકે ડાંડીયાએ ક્યારેય નાણાંના જોરથી દબાઈને કામ કર્યું ન હતું. અનેક કિસ્સાઓમાં તેને સહાય કરનારા મિત્રો અને શેઠિયાઓની પણ તેણે ઝાટકણી કાઢી પત્રકારત્વની પોતાની પ્રતિબદ્ધતા  વ્યક્ત કરી હતી. “ડાંડિયો” સીમિત વર્ગનું નહીં વ્યાપક સમાજનું અખબાર હતું.

ગુજરાતી વર્તમાનપત્રોની ભાષા, જોડણી અને મુદ્રણમાં “ડાંડિયો” અને નર્મદનો ફાળો મૂલ્યવાન છે. મુદ્રણ શરૂ થયાના પ્રારંભે ૧૮૨૨થી ૧૮૫૦ના વર્ષો દરમિયાન પારસી છાપાં અને છાપખાનાઓ જોડાક્ષર છાપતા જ ન હતા. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ “ગુજરાતી” સાપ્તાહિકથી ભાષાશુદ્ધિની ઝુંબેશ ઉપાડી.આ દિશામાં પહેલ,પાયાનું કામ નર્મદ અને તેના મુદ્રક મિત્ર નાનાભાઈ રાણીનાએ કર્યું હતું. આ સમયની મુદ્રાણ વિષયક મુશ્કેલીઓ છતાં આ લખાણોમાં જે મુદ્રણશુદ્ધિ અને સુઘડતા જળવાઈ રહી તેમાં નર્મદની ચીવટ અને નાનાભાઈની મુદ્રણ દ્રષ્ટિ કારણભૂત હતી.

“ડાંડિયો” તેના જીવનકાળમાં ચાર શ્રેણીમાં ત્રણ અવતારો પામ્યો હતો. નર્મદના પોતાના “ધર્મવિચાર”માંના ઉલ્લેખ અનુસાર ડાંડીયોનો પ્રવર્તનકાળ ઇ.સ.૧૮૬૪ થી ૧૮૬૯ એમ પાંચ વર્ષનો છે. ડાંડિયોનો પહેલો અંક ઇસ ૧૮૬૪, ૧ સપ્ટેમ્બરનો છે અને ૧૬ જાન્યુઆરી ઇ.સ. ૧૮૭૦ના અંકના મથાળા અનુસાર ‘ડાંડિયો’ ‘સન્ડે રિવ્યુ’ સાથે જોડાઈ ગયાનું ફલિત થાય છે.

નર્મદનો સમય એટલે અજ્ઞાન,જડતા, વહેમ,અને અંધકારનો સમય. અજ્ઞાનના અંધકારમાં ડૂબેલી પ્રજામાં જ્ઞાનને ચૈતન્ય અર્પી, જાગૃત બનાવવા તેણે કમર કસી. સમાજના દુષ્ટ રિવાજો,વહેમો, અંધશ્રદ્ધાની ચૂડમાંથી પ્રજા છૂટે તો જ સામાજિક પુનરુત્થાન થાય અને તે દ્વારા દેશઉન્નતિ થઈ શકે, લોકોમાં રાષ્ટ્રીયતાની જાગૃતિ લાવવા માટે, સમાજે રચેલા વાડાઓ, સંકુચિતતાઓનો ત્યાગ કરવા એને પગલાં ભર્યા. આ માટે તેણે ડાંડીઓના હથિયારનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો.

૧૯મી સદીના ગુજરાતમાં કેટલાક સંપ્રદાયના ધર્માચાર્યોએ પોતાની પ્રભુસત્તા ભક્તો પર વધારવા માટે પુરાણો અને ગ્રંથોનું નીતનવુ, સગવડિયું અર્થઘટન કરી તેમની મરજી મુજબની રૂઢિઓ, ધાર્મિક રિવાજો ભક્તજનોમાં પ્રસરાવ્યા હતા અને તેમને મળેલી ધર્મસત્તાનો ગેરલાભ લેતા હતા. આવા પાખંડો આચરતા ધર્મચાર્યો, વિશેષતઃ તત્કાલીન વૈષ્ણવ મહારાજોની પાપલીલાઓ અને સ્વૈરવિહારો સામેનો આક્રોશ ડાંડિયોમાં વારંવાર પ્રગટ થાય છે. ડાંડિયો તેની કલમથી આવા પાપાચારીઓની ચામડી ઉસરડી લે છે અને વૈષ્ણવોને ચેતવે પણ છે.

ડાંડિયોના માધ્યમથી નર્મદ અને સાક્ષર મંડળીએ ઉઠાવેલી સમાજસુધારાની ઝુંબેશના આવા અનેક સીમાચિન્હો હતા. કદાચ એટલે જ ‘જીવનભરનો જોદ્ધો’ લેખમાં શ્રી વિશ્વનાથ ભટ્ટ લખે છે “જેવો પ્રબળ એનો સત્યપ્રેમ હતો તેવો જ પ્રબળ એનો ન્યાયપ્રેમ પણ હતો. ક્યાંય અન્યાય થતો દેખાતો તો એનું હૃદય એકદમ ઉકળી ઉઠતું.આવો અન્યાય એને અંગત અપમાન જેવો લાગતો, પોતાને તેની સાથે સીધી નિસ્બત ન હોય તો પણ પોતે મધ્યકાલીન યુરોપના વીર પુરુષો જેવી જ પ્રેમશૌર્યવૃત્તિ ધારણ કરી હતી તેને બટ્ટા જેવો લાગતો…..સાર્વજનિક બાબતોમાં પણ એણે જુલમગારોનો સામનો આવા જ જોરથી કરેલો. ભ્રષ્ટ ધર્માચાર્યોનો એણે કરેલો વિરોધ, અનાથ વિધવાઓની એણે કરેલી વહાર, જુલમી અમલદારોની એણે કાઢેલી ઝાટકણી અને ગરીબોને પાયમાલ કરી અનેક ઊંધાચત્તા ધંધા કરી તાલેવાન થઈ બેઠેલા શેઠિયાઓની એણે કરેલી જાહેર નિંદા એ બધામાં તીવ્ર અન્યાય દ્વેષ જોઈ શકાય છે.”

આવો આ બાંગડબોલીનો બેતાજ બાદશાહ ડાંડિયો તેના ‘અધિપતિ’ નર્મદ અને સાક્ષર મંડળના સાથીદારોના હાથમાં તૈયાર થઈ કુરિવાજો, રૂઢિઓ,  ગેરમાન્યતાઓ, પાખંડૉ, ભ્રષ્ટાચાર, વ્યભિચારને ડામતો ઘૂમી વળ્યો અને ગુજરાતી પત્રકારત્વ માટે એક ચિર:કાલીન ઇતિહાસ સર્જતો ગયો. ડો. રમેશ શુક્લા નોંધે છે તે પ્રમાણે “નર્મદ જે સાધન વડે ઝઝૂમ્યો,ઝૂઝ્યો,તેણે જેના વડે સર્વગ્રાહી સર્વક્ષેત્રિય નવજાગૃતિ આણી, એટલું જ નહીં પોતાના ગદ્યની પૌરુષી તાકાત નવા આયામમાં પ્રગટાવી, ગુજરાતી ભાષાના કૌવતની પ્રતીતિ કરાવી, તેનું માત્ર દસ્તાવેજી મૂલ્ય ન હોય, તેનું વિદ્યાકીય અને સાંસ્કૃતિક મૂલ્ય પણ હોય……વસ્તુતઃ ડાંડિયો કેવળ વર્તમાનપત્ર/ ચોપાનીયું ન હતું. તે નવા વિચાર અને નવચેતનાને સંકોરી પ્રજાના આંતરિક સત્વને જગાડનારુ પ્રાણવંત માંધ્યમ હતું. જો નર્મદ સમયમૂર્તિ હતો તો ‘ડાંડિયો’ આ સમયનું મુખપત્ર હતું. જો નર્મદ યુગપુરુષ હતો તો ‘ડાંડિયો’ નવા યુગની અહાલેક પોતાના પોકરનારું બ્યુગલ હતું. જેમાં યા હોમના પડછંદા સદા પડઘાતા રહ્યા હતા. વિપરીત સંજોગોમાં, ગુંગળાવનારી કુંઠાઓમાં, મતિને મૂંઝવનાર સમસ્યાઓના ઓઘ વચ્ચે-સમગ્ર પ્રજાના સત્વને નીર્વિય બનાવવા ગોઠવાયેલા ચક્રવ્યુહને ભેદવા સમયપુરૂષ શું શું કરી શકે, તેનું ઉજ્જ્વળ દ્રષ્ટાંત ‘ડાંડિયો’ દ્વારા નર્મદ અને સાક્ષરમંડળે પૂરું પાડ્યું. તે પેઢી દર પેઢી ઉપસ્થિતિ થતી મિસાલ અને મશાલરૂપ છે.”

(પ્રો.(ડૉ) શિરીષ કાશીકર, નિયામક,એનઆઇએમસીજે,અમદાવાદ)

( ટુંક સમયમાં લેખકના પ્રસિદ્ધ થનારા પુસ્તક “સવ્યસાચી પત્રકાર નર્મદ” ના અંશો)

#Narmad #GujaratiJournalism #NarmadashankarLalshankarDave #Dandio #GujaratiLanguage  #GujaratiLiterature #Journalism #Reform #SocialReform #Gujarat #Surat #Mumbai #Parsi #NarmadJayanti #BirthAnniversary #LegendaryJournalist #Poet #Writer #SocialActivist #GujaratiCulture #IndianJournalism  #HistoryOfJournalism