Site icon Revoi.in

પીઓકે આપોઆપ ભારતમાં ભળી જશેઃ કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ

Social Share

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ પાકિસ્તાનમાં પ્રજા હાલ જીવન જરુરી વસ્તુઓ માટે ફાંફા મારી રહ્યાં છે એટલું જ નહીં લાઈટબિલ પણ હજારોમાં આવતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન પાકિસ્તાન સરકારની કામગીરીથી પીઓકેની પ્રજામાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં પીઓકેમાં લોકો રસ્તા ઉપર આવતી આવ્યાં છે અને પાકિસ્તાનથી આઝાદી અપાવવા અને ભારત સાથે જોડવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન ભારતના કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે પીઓકેને લઈને મોટુ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, રાહ જોવો પીઓકે આપોઆપ ભારતમાં ભળી જશે.

કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. દરમિયાન તેમણે કોંગ્રેસ અને I.N.D.I.A ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન પત્રકારોએ પીઓકેને લઈને પ્રશ્નો કર્યાં હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, થોડી રાહ જોવો પીઓકે આપોઆપ ભારતમાં ભળી જશે. દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અને યુવાનો અને ખેડૂતોને આપેલા વચનોથી રાજસ્થાનના લોકો સંપૂર્ણપણે પરેશાન છે. આથી ભાજપે લોકોની વચ્ચે જઈને તેમને સાંભળવા માટે પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવી પડી છે. આ યાત્રામાં જનતા પૂરો સાથ આપી રહી છે.

પીઓકે ભારતનો જ અંગ છે અને આ અંગે અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જાહેર કર્યું હતું. પીઓકે ઉપર પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજો કર્યો છે. અગાઉ વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ પણ ભારતમાં આયોજીત એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પત્રકારે પૂછેલા પ્રશ્નના જવાબમાં પણ કહ્યું હતું કે, પાકિસ્તાન પીઓકે ક્યારે ખાલી કરે છે તે અંગે ચર્ચા કરવી જોઈએ.