વડોદરામાં ભાજપના કોર્પોરેટરે જાહેર રોડ ઉપર વિશાળ સ્ક્રીન મુકી IPL દર્શાવાતા પોલીસ કાર્યવાહી
વડોદરાઃ શહેરમાં વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા પર પોલીસની મંજુરી વિના ભાજપના કોર્પોરેટરે વિશાળ સ્ક્રીન મુકીને આઈપીએલની ક્રિકેટ મેચ દર્શાવાતા પોલીસ દોડી ગઈ હતી. અને સ્ક્રીન પર દર્શાવાતી મેચ બંધ કરાવી હતી. જોકે કેટલાક દિવસથી મોટા સ્ક્રીન પર આઈપીએલ મેચ દશાવાતી હતી. પણ ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદ ઉઠતા આખરે પોલીસ દોડી આવી હતી.
સૂત્રોના કહેવા મુજબ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં જાહેર રોડ રસ્તાની એક બાજુએ મોટા પડદા પર આઇપીએલની મેચ ભાજપના કોર્પોરેટર નૈતિક શાહ દ્વારા કથિત રીતે બતાવવામાં આવતી હતી. પરિણામે જાહેર રોડ-રસ્તા પર દર્શાવતી હોવાથી પાણીગેટ પોલીસે દોડી આવીને મોટા સ્ક્રીન પર દર્શાવવાથી આઈપીએલની ક્રિકેટ મેચ બંધ કરાવી દીધી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ વોર્ડ નં. 15માં આવેલી નવનિર્મિત સાઈટના પ્રચાર પ્રમોશન માટે ભાજપના વોર્ડ નં. 5ના કોર્પોરેટર કમ બિલ્ડર નૈતિક શાહ દ્વારા આઈપીએલની ક્રિકેટ મેચો જાહેરમાં પબ્લિકને બતાવવાનું આયોજન કર્યું હતું. આ અંગે સોશિયલ મીડિયામાં લોકોને આમંત્રણ પણ આપાયું હતું. સ્ટીરિયોના મોટા અવાજના કારણે આસપાસના સ્થાનિક રહીશોના પરેશાન બન્યા હતા. કેટલાય દિવસોથી જાહેરમાં મોટા સ્ક્રીન પર આઈપીએલની ક્રિકેટ મેચો સતત દર્શાવતી હોવા છતાં પણ પોલીસે આ બાબતે આ ખાડા કાન કર્યા હોવાની ચર્ચા જાગી છે. આ અંગે હવે જ્યારે આઈપીએલની રમાતી ક્રિકેટ મેચો અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે કહેવાતી ફરીયાદના આધારે નિંદ્રામાંથી સફાળા જાગેલી પાણીગેટ પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિશાળ સ્ક્રીન પર આઈપીએલની ક્રિકેટ મેચ મોટા અવાજ સાથે દર્શાવવા બાબતે કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવી નહતી. પરવાનગી વગર લગ્ન કે શુભ પ્રસંગે ડીજેના તાલે નીકળતા વરઘોડા સામે પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ દાખલ કરવા સહિત મુદ્દામાલ ડીજે જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં બાહોશ પાણીગેટ પોલીસ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરે છે કે કેમ એ બાબતે હવે જોવું રહ્યું.