Site icon Revoi.in

વૈશ્નોદેવીથી અડાલજ સુધી વારંવાર સર્જાતા ટ્રાફિક જામ સામે પોલીસનો એક્શન પ્લાન

Social Share

ગાંધીનગરઃ એસજી હાઈવે પર વૈશ્નોદેવીથી અડાલજ સુધી વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. આથી ગાંધીનગર પોલીસે ટ્રાફિક જામની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં ખાસ કરીને ખોરજમાં આવેલી કન્ટેનર ડેપોને કારે ટ્રેલરોને લીધે ટ્રાફિકજામ થયો હોય છે. ટ્રેલરો હાઈવે પર ખોટકાતા ટ્રાફિક જામ થયો હોય છે. એટલે હવે ટ્રેલરોને ખસેડવા માટે મોટી ક્રેઈન સ્ટેન્ડબાય રખાશે. તેમજ વધારાના સિગ્નલો મુકાશે. અને ટ્રાફિક પોલીસનો વધુ સ્ટાફ તૈનાત કરાશે. પીક-અપ અવર્સમાં ટ્રાફિકનો લોડ ઘટાડવા પણ વિચારણા કરવામાં આવી છે.

અમદાવાદના એસજી હાઇવે પર અડાલજથી વૈષ્ણોદેવી સુધી સતત ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ચોમાસા દરમિયાન વરસાદને કારણે જ આ સમસ્યા સર્જાય છે તેવું નથી. આ હાઇવે સતત વ્યસ્ત રહેતો હોવાથી ગમે ત્યારે બેથી પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ થઇ જાય છે. આ સ્થિતિ રોકવા એસજી હાઇવે અને ખાસ કરીને અડાલજથી વૈષ્ણોદેવી સુધીના બેલ્ટમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ગાંધીનગર એસપી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેનો ગણતરીના દિવસોમાં જ અમલ શરૂ કરી દેવામાં આવશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ સમગ્ર રૂટની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. અહીં ટ્રાફિકના કાયમી નિરાકરણ માટે સિગ્નલો મૂકવાથી લઇને પોલીસ પોઇન્ટ ગોઠવવા સુધીના પગલાં લેવામાં આવશે. પોલીસે સમગ્ર રૂટ અને ટ્રાફિકની પેટર્નનો અભ્યાસ કર્યો છે અને આ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. થોડા દિવસોમાં આ હાઇવે પરથી ટ્રાફિકની સમસ્યા દૂર થઇ જશે.

એસજી હાઈવે પર વૈષ્ણૌદેવીથી આગળ જતાં છારોડી તેમજ ગોતા પાસેના કટ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વૈષ્ણૌદેવી બ્રિજ પર ઓફિસ અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધારે જોવાં મળે છે. નીચેની તરફ પણ રીંગરોડ પર જવાવાળો ટ્રાફિક રહેતો હોવાથી વૈષ્ણોદેવી બ્રિજની નીચે ટ્રાફિક સિગ્નલ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેની પ્રક્રિયા હાથ ધરી સિગ્નલો લગાવી દેવાશે.

આ ઉપરાંત ખોરજ પાસે આવેલાં કન્ટેનર યાર્ડમાં હેવી કન્ટેનર આવતાં હોય છે. જે વૈષ્ણોદેવી બ્રિજ પહેલાં આવેલાં એક્ઝીટ પોઈન્ટને બદલે મોટાંભાગે એન્ટ્રી પોઈન્ટથી ઉતરીને વૈષ્ણોદેવીથી બ્રિજ નીચેથી યુ ટર્ન લેતાં હોય છે. એક્ઝીટને બદલે એન્ટ્રી પોઈન્ટથી સર્વિસ રોડ તરફ કન્ટેનરને જતાં અટકાવવા માટે આ સ્થળે ટ્રાફિક પોઈન્ટ મૂકીને પોલીસ ગોઠવવામાં આવી છે. તેમજ ખોરજ ખોડીયાર ખાતે કન્ટેનર ડેપો હોવાથી મોટા ટ્રકમાં કન્ટેનરની સતત અવરજવર રહે છે. જેને કારણે ટ્રાફિકને અડચણ થાય છે. તાજેતરમાં ખોરજ બ્રિજ પર કન્ટેનરનો અકસ્માત સર્જાતા કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ પ્રકારની સ્થિતિમાં ત્વરિત કામગીરી થઇ શકે તે માટે પોલીસ દ્વારા 12 જેટલા હેવી ક્રેન હેન્ડલર્સનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને જરૂરિયાત મુજબ આવી ક્રેન એસજી હાઇવે પર સ્ટેન્ડબાય રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

એસજી હાઈવે પર અદાણી શાંતિગ્રામ ઉપરાંત વૈષ્ણોદેવી આસપાસ પણ મોટા પ્રમાણમાં ઓફિસો આવેલી છે. જેમાં 5 હજારથી વધારે કર્મચારીઓ ફરજ બજાવે છે. આ ઓફિસ એકસાથે છૂટતી હોવાથી મોટા પ્રમાણમાં કર્મચારીઓ પોતાના વાહનો સાથે એસજી હાઇવે પર આવે છે. જેથી રૂટીન ટ્રાફિક ઉપરાંત કર્મચારીઓનો ટ્રાફિક સામેલ થતાં મોટા પ્રમાણમાં ટ્રાફિકનું ભારણ વધે છે. આ સ્થિતિ નિવારવા માટે ઓફિસના મેનેજમેન્ટને કર્મચારીઓના ઓફિસ ટાઇમમાં 15થી 30 મિનિટનો ફેરફાર કરવા માટે પણ પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.