અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલા સંદર્ભે પોલીસે હવે આતંકીઓની ઝડપી પાડવા તેના પર ઈનામની જાહેરાત કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં શિવખોડી તરફ જઈ રહેલી યાત્રિકોની બસ પર આતંકીઓએ રસ્તામાં ગોળીબાર કર્યો હતો. બસ પર ગોળીબાર થતાં ડ્રાઈવરને ગોળી વાગી અને ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. કેટલાક યાત્રિકો આતંકીઓની ગોળીથી તો કેટલાક યાત્રિકો ખીણમાં ખાબકવાથી મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં 10 યાત્રિકોના મોત નિપજ્યા હતા. પોલીસે આતંકીઓને ઝડપી પાડવા માટે સ્થાનિક સ્તરે શોધખોળ ઝુંબેશ પણ ચલાવી હતી. જોકે હજુ સુધી આતંકીઓનું પગેરુ મળ્યું નથી. આખરે પોલીસે આતંકીઓ વિશે માહિતી આપનારને 20લાખ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે. પ્રત્યક્ષદર્શીઓના આધારે આતંકીઓના સ્કેચ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આતંકીઓની માહિતી આપવા માટે પોલીસે ખાસ ફોન નંબર પણ જાહેર કર્યા છે.