1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં વધુ 14 આરોપીની પોલીસે કરી ધરપકડ

ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં વધુ 14 આરોપીની પોલીસે કરી ધરપકડ

0
Social Share

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક મહિના પહેલા ઉત્તરવહીકાંડ સર્જાયો હતો. આ બનાવથી ભારે હોબાણો મચ્યો હતો. નર્સિંગ પરીક્ષાની ઉત્તરવહીઓ ચોરીને વિદ્યાર્થીઓ પાસે લખાવીને ફરી એ જ જગ્યાએ મુકી દેવામાં આવતી હતી. આમ વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું રેકેટ ચાલતું હતું. આ મામલે કૂલપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉત્તરવહી કાંડના ગુનાનો ભેદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કૌભાંડમાં સંકળાયેલા 14 વિદ્યાર્થી આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. મહત્વની વાત એ છે કે ઉત્તરવહી લખવા માટે વિદ્યાર્થીઓને આંખે પટ્ટા બાંધી લઇ જવામાં આવતા હતા.

આ કૌભાંડની વિગત એવી હતી. કે, ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીકાંડ સર્જાયો હતો. યુનિ.ના પરીક્ષા વિભાગમાંથી ઉત્તરવહીઓ ચોરીને વિદ્યાર્થીઓ પાસે લખાવવામાં આવતી હતી. આ મામલે ભારે હોબાળો મચ્યા બાદ પોલીસ ફરિયાદ થતાં પોલીસે આ કૌભાંડમાં સંકળાયેલા મુખ્ય આરોપી સન્ની, અમિત અને સંજય ડામોરની ધરપકડ કરી હતી. આ આરોપીઓની સઘન પૂછપરછ કરતા ઉત્તરવહીકાંડની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ઉત્તરવહીકાંડના ત્રણેય આરોપીઓમાં સન્ની અને અમિત કૌભાંડના માસ્ટર માઇન્ડ છે. જ્યારે સંજય ડામોર એ યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. આરોપીઓ કેટલાક એજન્ટોને વચેટિયા તરીકે રાખીને યુનિવર્સિટીના નબળા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા  મારફતે ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ ઉત્તરવહી લખાવવા વિદ્યાર્થી દીઠ 30 હજાર રૂપિયા લેતા હતા. જેમાં મુખ્ય આરોપીનો ભાગ 80 ટકા જ્યારે બાકીના વચેટિયાઓના ભાગે આવતા હતા. આ ઉત્તરવહી કાંડના કૌભાંડમાં યુનિવર્સિટીની પરીક્ષા પૂરી થયા બાદ જ્યાં ઉત્તરવહીઓ પડી હોય ત્યાંથી પટ્ટાવાળા સંજય મારફતે રાતના સમયે નક્કી થયેલા વિદ્યાર્થીઓની ખાસ ચિન્હ કરેલી ઉત્તરવહીઓ કાઢવામાં આવતી હતી. આરોપી સંજયને ઉત્તરવહી કાઢવામાં સરળતા રહે તે માટે વિદ્યાર્થીઓએ ઉત્તરવહી આગળના પેજ પર સ્વસ્તિક અને છેલ્લા પેજ પર # નું નિશાન કરવાનો હતો. ઉત્તરવહી કાઢી વાડજ પાસે આરોપી અમિતની ઓફિસે વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધીને લાવવામાં આવતા હતા. જ્યાં ઉત્તરવહીઓ લખાવવામાં આવતી હતી. અને બીજા દિવસે સવાર થતાં પહેલાં આરોપી સંજય ઉત્તરવહીઓ જે તે જગ્યાએ મૂકી દેતો હતો. પરંતુ એ દિવસ ઉત્તરવહીઓ મૂકવામાં મોડું થતા 24 જેટલી ઉત્તરવહીઓ મિસિંગ જણાઈ હતી. ત્યારબાદ આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. હાલ પોલીસે પકડાયેલ 14 અને અગાઉના 3 એમ કુલ 17 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હજુ 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code