ટ્રેઇની IAS પૂજા ખેડકર વિવાદમાં આવ્યા બાદ તેના પરિવાર સાથે જોડાયેલા એક પછી એક સભ્યોના વિવાદ પણ સામે આવતા જાય છે.. પૂજા ખેડકરના પિતા પણ અગાઉ વિવાદમાં આવી ચૂકયા છે ત્યારે હવે તેની માતા પણ વિવાદમાં આવી છે.
ટ્રેની IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે પૂછપરછ કર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પુણે પોલીસે પૂજા ખેડકરની માતાને નોટિસ પાઠવી હતી અને આગામી 10 દિવસમાં જવાબ આપવા કહ્યું હતું.
થોડા દિવસો પહેલા મનોરમા ખેડકરનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પૂજા ખેડકરની માતા મનોરમા દેવી ખેડૂતો સાથે વાત કરતી વખતે પિસ્તોલ લહેરાવતી જોવા મળી હતી. આ દરમિયાન પૂજાની માતા સાથે કેટલાક બોડી ગાર્ડ પણ ત્યાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે
આ વીડિયો પુણે જિલ્લાના મૂળશી તાલુકાનો છે.
પૂજા ખેડકરની માતા પર આરોપ છે કે તેણે પોતાની જમીનની નજીકના અન્ય ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે
ખેડૂતોએ આનો વિરોધ કર્યો તો પૂજા ખેડકરની માતા બાઉન્સર સાથે મેદાન પર પહોંચી અને ખેડૂતોને ધમકી પણ આપી. આ દરમિયાન તેના હાથમાં પિસ્તોલ પણ હતી. આ બનાવ અંગે ખેડૂતોએ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ તો લીધી પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી.
પૂજા ખેડકરના પિતા દિલિપ ખેડકર પણ વિવાદોમાં રહ્યા છે.. લાંચ લેવાના આરોપમાં બે વાર સરકારે તેમની સામે એક્શન લેતા તેમને સસ્પેન્ડ કર્યા હતા. તો પૂજા ખેડકરે પણ દ્રષ્ટિબાધિત અને માનસિક રૂપે બિમાર હોવાનું પ્રમાણપત્ર જમા કરાવી વિશેષ છૂટછાટ પ્રાપ્ત કરી યૂપીએસસી ક્વોલિફાય કર્યુ હતું.