સુરતમાં કોરોના મહામારીને પગલે લોકોમાં માસ્ક અંગે જાગૃતિ લાવવા પોલીસનું અભિયાન
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી કોરોનાએ ભરડો લીધો છે. કોરોનાકાળમાં માસ્ક જીવનનો એક ભાગ બની ગયું છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ હજુ પણ અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. જેથી સુરતમાં પોલીસે લોકોમાં માસ્ક અંગે જાગૃતિ આવે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ વાહન ઉપર બેનરો લગાવવામાં આવ્યાં છે કે, કફનથી નાનું છે માસ્ક પહેરી લો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં મળી આવ્યાં છે. અમદાવાદ અને સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવે છે. સુરત પોલીસે માસ્ક મુદ્દે જન જાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે. સુરતમાં પાંડેસરા પોલીસ દ્વરા પીસીઆર વાન પર એક બેનર લગાડવામાં આવ્યું છે જેમાં કફનથી નાનું છે માસ્ક પહેરી લો જેવું લખાણ લખાયું છે. આ પીસીઆર વાન સમગ્ર વિસ્તારમાં ફરે છે અને માસ્ક વગર ફરતા અને ટોળે વળી રહેલા લોકોને જાગૃત કરે છે. તેમજ લોકોને તકેદારી રાખવા સતત અપીલ પણ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસ વધતા અગાઉ પોલીસે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે માસ્કનું વિતરણ કર્યું હતું. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક આપ્યાં હતા.