બનાસકાંઠામાં વાહનોના કાચ પરથી બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ દુર કરવા પોલીસની ઝૂંબેશ
પાલનપુરઃ ગુજરાતમાં વાહનોના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ છે, ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ પણ વાહનો પર લગાવી શકાતી નથી. આમ છતાં ધણાબધા વાહનચાલકો નિયમોનો ભંગ કરતા હોય છે. આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરીને કારમાં લગાવેલી બ્લેક ફિલ્મો દુર કરી હતી. તેમજ વાહનો પર લગાવેલી ફેન્સી નંબર પ્લેટ્સ પણ દુર કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય તે માટે તેમજ વાહનો ઉપર લગાવવામાં આવતી બ્લેક ફિલ્મો ઉતારવા અને વાહનોના ફેન્સી નંબર પ્લેટો દૂર કરવા ત્રિદિવસીય ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પાલનપુર સહિત ઠેરઠેર પોલીસની ટીમો દ્વારા વાહનોની બ્લેક ફિલ્મો અને ફેન્સી નંબર પ્લેટો દૂર કરવામાં આવી હતી. પોલીસે જુદા જુદા નાકાઓ પર ઊભા રહીને વાહનચાલકોને વાહનના કાચ પરથી બ્લેક ફિલ્મ દુર કરવા સમજાવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જિલ્લામાં કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મો તેમજ વાહનો પર ફેન્સી નંબર પ્લેટ પર લગાવી ફરતા હોય પોલીસે આવા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ત્રિદિવસીય વાહન ચેકીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેર માર્ગો પર દોડતા વાહનોના કાચ ઉપર લગાવેલ કાળા કલરની ફિલ્મો તેમજ ફેન્સી નંબર પ્લેટો અને ઝાંખી દેખાતી નંબર પ્લેટો પણ દૂર કરવામાં આવી હતી જેને લઇ કાળા કાચવાળા અને અને ફેન્સી નંબર પ્લેટો લગાવીને ફરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.