Site icon Revoi.in

અમીરગઢ હાઈવે પરની ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કડક બનાવાયું, તમામ વાહનોની તપાસ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના નેશનલ હાઈવે પર આવેલી અમીરગઢ ચેકપોસ્ટ ઉપર દિવાળીના તહેવારને લઈ પોલીસ દ્વારા ચેકિંગ વધારવામાં આવ્યું છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન તરફથી આવતા વાહનચાલકોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી અનેક પ્રકારે નશીલા પદાર્થો પોલીસ ઝડપી પાડતી હોય છે. હાલ દિવાળીના તહેવારો તેમજ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લીધે અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે. પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. વાહનચાલકો નશો કરેલી હાલતમાં છે કે નહીં તેના માટે બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવી રહી છે.

બનાસકાંઠાના એસપી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં દિવાળી તહેવાર નિમિત્તે તેમજ રાજસ્થાનની ચૂંટણી અનુસંધાને અમીરગઢ ચેકપોસ્ટ પર તમામ પ્રકારના વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ અહીંયા થી જ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેવા પ્રકારના કોઈ નશીલા પદાર્થો અહીંથી ન લઈ જઈ શકે તે માટે અહીં સઘન તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તમામ વાહનોને રોકીને તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીઓ અલગ અલગ પાળીમાં ફરજ બજાવી રહ્યા છે. ગુજરાતથી રાજસ્થાનના પ્રવાસે ગયેલા ઘણા વાહનચાલકો પરત ફરતી વખતે નશો કરેલી હાલતમાં હોય છે. ત્યારે આવા વાહનચાલકોની બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવી રહી છે.