Site icon Revoi.in

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં વાહનચાલકો પાસેથી પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો

Social Share

ગાંધીનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો હતો. શહેરમાં કેટલાક વાહનચાલકો પૂરઝડપે વાહનો હંકારતા હોય છે. તે ઉપરાંત આડેધડ રસ્તા ઉપર પાર્ક કરીને અન્યની જીંદગી જોખમમાં મુકતા હોય છે. ઉપરાંત ઘણા ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરતા હોય છે. સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરતા નથી. આવા વાહનચાલકો પાસેથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગત 1 એપ્રિલ 23થી 31 માર્ચ 2024 દરમિયાન 19346 વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપરથી 9664200 દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર સહિત રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિક ભંગ કરનારને ઇ-મેમો મોકલવામાં આવે છે. તે ઉપરાંત ટ્રાફિક પોલીસ શહેરના રસ્તા ઉપર ઉભી રહીને નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને સ્થળ ઉપર પાવતી આપી દંડ ફટકારે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ગત 1 એપ્રિલ 23થી 31 માર્ચ 2024 દરમિયાન રોડ ઉપર બેફામ બની ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ 19346 વાહન ચાલકોને ચલણની રસિદ આપવામાં આવી હતી. તેમની પાસેથી 9664200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. નિયમનો ભંગ કરનારામાં ખાસ કરીને યુવા વર્ગનો સમાવેશ થાય છે. લાયસન્સ વિના અને હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવનારા કોલેજીયનો પાસે દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રોડ ઉપર ગતિ મર્યાદા તોડીને વાહન હંકારવામાં યુવાનોની સંખ્યા વધારે જોવા મળી રહી છે. રાત્રિના સમયે બાઈકચાલકો સ્ટંટબાજી કરીને બેફામ વાહનો હંકારતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા હવે આગામી સમયમાં લાઇસન્સ વિના વાહન લઇ નીકળતા સગીરવયના કિશોરો સામે પણ કાર્યવાહી કરી દંડ વસૂલ કરશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ 1085 વાહન ડીટેઇન કરાયા હતા. તે ઉપરાંત રસ્તા ઉપર ભયજનક રીતે વાહન હાંકનાર 112, દારૂ પીને વાહન હાંકવા બદલ 20 અને રસ્તા ઉપર અડચણરૂપ વાહન મુકનાર 102 વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગત વર્ષમાં 1319 વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની સતત કામગીરી છતા વાહન ચાલકો રસ્તા ઉપર વાહન ઉભુ કરીને અન્યને તકલીફ થાય તે રીતે હાલમાં પણ વાહન મુકીને જતા રહે છે. ત્યારે આવા ચાલકો સામે કાયમી ધોરણે લાલઆંખ કરવી જોઇએ.  (File photo)