રાજકોટઃ શહેરમાં માધાપર ચોકડીથી 150 ફુટ રિંગ રોડ પર ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા ખાનગી બસ સંચાલકોએ ભારે વિરોધ કર્યો હતો. ખાનગી બસ ટ્રાવેલ્સ એસો.એ સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને પોલીસ કમિશનરને પણ રજુઆત કરી હતી. દરમિયાન પોલીસ કમિશનરે બપોરના 2થી સાંજના 5 વાગ્યા સુધી ખાનગી બસ પ્રવેશની છૂટ આપી હતી. પરંતુ સંચાલકોને માન્ય નહતી. કારણ કે, મોટાભાગની ખાનગી લકઝરી બસ સવારે અને સાંજના સમયે જ અવર-જવર થતી હોય છે. આ સંદર્ભે પોલીસ કમિશનરને ફરીવાર રજુઆત કરવામાં આવતા અંતે કમિશનરે નમતું જોખીને પ્રવેશબંધીનું જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું તેને 6 મહિના સુધી મુલત્વી રાખ્યુ છે.
રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલા પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડી ખાનગી બસો માટે 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. જોકે આ નિર્ણયને લઈને ટ્રાવેલ્સ સંચાલકોએ વિરોધ કરતા પોલીસ કમિશનરે બપોરે 2થી 5 ટ્રાવેલ્સ બસોને પ્રવેશની છૂટ આપવામાં આવી હતી, પરંતુ તેનાથી પણ ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં હોવાથી ભાજપના શહેર પ્રમુખ સહિતનાની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી લક્ઝરી બસોની પ્રવેશબંધી 6 મહિના મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા ટ્રાવેલ્સ સંચાલકોએ આ નિર્ણયને વધાવી લીધો હતો.
આ અંગે ટ્રાવેલ્સ એસોસિએશન પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે, શહેરના 150 ફૂટ રીંગરોડ પર ખાનગી લક્ઝરી બસોનાં પ્રતિબંધનું જાહેરનામું 6 મહિના મોકૂફ રાખવામાં આવ્યું છે. શુક્રવારે પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગના ડીસીપી સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ કમિશનરે જાહેરનામું 6 મહિના મોકૂફ રાખવાનું જણાવતા અમે તે નિર્ણયને વધાવી લીધો છે. 6 મહિના દરમિયાન અમે પણ પોલીસને પૂરતો સપોર્ટ કરીશું. સાથે જ વૈકલ્પિક જગ્યા માટેનાં પ્રયાસ પણ કરીશું. જોકે અમને આ રાહત મળી તેનાથી પૂરતો સંતોષ છે. આ તકે ટ્રાવેલ્સ સંચાલકોએ એકબીજાને મીઠાઈ ખવરાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.