અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સામાન્ય ગુનાને બદલે ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવાની કામગીરી કરવા પોલીસ કમિશનરની તાકીદ
અમદાવાદઃ રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે પોલીસે ડ્રગ્સના નેટેવર્કને તોડી પાડવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે ડ્રગ્સના લગભગ 44 જેટલા કેસ ઝડપી લીધા હતા. જે પૈકી 29 જેટલા કેસ માત્ર એસઓજીએ જ ઝડપી લીધા છે. જ્યારે ક્રાઈમબ્રાન્ચે ડ્રગ્સના 3 કેસ જ પકડી લીધા હતા. દરમિયાન શહેર પોલીસ કમિશનરે ડ્રગ્સ નેટવર્ક મામલે ક્રાઈમબ્રાન્ચની તપાસ મામલે નારાજગી વ્યક્ત કરીને નાના-મોટો કેસ ઉપર કાર્યવાહી કરવાના બદલે ડ્રગ્સ જેવા મોટા કેસ ઉપર કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન ચાલુ વર્ષે ક્રાઇમબ્રાન્ચે ડ્રગ્સના લગભગ 3 જેટલા કેસ કર્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ કમિશનરે ગંભીર નોંધ લીધી હતી. તેમજ ક્રાઈમબ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી કે, ક્રાઈમબ્રાન્ચનું ફોક્સ મોબાઈલ ચોરી, વાહન ચોરી અને ઘરફોડ જેવા કેસ ઉપર ફોક્સ કરવાને બદલે ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે ગંભીરતાથી કામગીરી કરવી જોઈએ. પોલીસ પાસે સાઈબર ક્રાઈમ, ડ્રગ્સ અને ટ્રાફિકનો સૌથી મોટો પડકાર છે.
પોલીસ કમિશનરે ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓને ટકોર કરી હતી કે, ડ્રગ્સનું દુષણ વધ્યું છે અને તેને ડામવુ ખુબ જરુરી છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા ખુબ જરુરી છે. બીજી તરફ ડ્રગ્સ પેડલરને ઝડપી લઈને નેટવર્કને તોડી પાડવું ખુબ જરુરી છે. આ માટે યોગ્ય રણનીતિ તૈયાર કરવી જરુરી છે.