Site icon Revoi.in

અમદાવાદમાં 30મી જુનથી બે દિવસ રથયાત્રાના રૂટ્સ પર વાહન પાર્કિંગ કરાશે તો પોલીસ ફરિયાદ

Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે યોજાશે. રથયાત્રા માટે તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ્સ પર પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના રૂટ્સ પર વાહનોના પાર્કિંગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક નક્કી કરવામાં આવેલા રસ્તાઓ પર 30 જૂન અને 1 જુલાઈના બે દિવસ દરમિયાન કોઈ પણ વાહનનું પાર્કિંગ થઈ શકશે નહીં. જો વાહન પાર્કિંગ કરાશે તો ત્વરિત ટ્રો કરીને ઉપાડી જવાશે અને વાહનના માલીક સામે પોલીસ ફરિયાદ કરાશે.

શહેરમાં રથયાત્રાને લઈને કેટલાક વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ખમાસા, ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા,  મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુંવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા ,જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા પોળ, સાંકડી શેરીના નાકેથી માણેકચોક શાકમાર્કેટ, દાણા પીઠ અને ખમાસાથી જગન્નાથ મંદિર સુધીના માર્ગોનો સમાવેશ થાય છે.

પોલીસ કમિશનરના જાહેરનામાનું 30 જૂન અને 1 જુલાઈએ જ્યાં સુધી રથયાત્રા પુરી ના થાય ત્યાં સુધી પાલન કરવાનું રહેશે. જે લોકો આ જાહેરનામનું પાલન ના કરીને આ રસ્તાઓ પર વાહન પાર્ક કરશે તો તેમની સામે કલમ 188 અને 131 મુજબ કાર્યવાહી થશે. રથયાત્રા પસાર થાય ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશનના મુસાફરો હેરાન ના થાય તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશન માટે AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને રથયાત્રા પ્રેમ દરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશનનો માર્ગ બંધ કરવામાં આવે ત્યારે રેલ્વે સ્ટેશન જવાવાળા પ્રવાસીઓની સુવિધા માટે 89/3ની શટલની 8 બસ રહેશે. રથયાત્રા નિમિત્તે BRTS બસના કેટલાક રુટ પર ઈ-રિક્ષા રહેશે. પૂર્વ વિસ્તાર માટે સરકારી લીથો પ્રેસ કાલુપુર સુધી 4 ઈ-રિક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, કાલુપુર રેલ્વે સ્ટેશન પર 4 ઈ-રિક્ષા રહેશે.