અમદાવાદઃ ધોળકા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડિંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગ્રે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા 45 દિવસમાં પારદર્શકતાથી 500થી વધારે જમીનોની પેન્ડિંગ ફાઈલોને તટસ્થ રીતે ક્લીઅર કરવાની કામગીરી કરી છે.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.12.80 લાખના ખર્ચે પોલીસ આવાસોનું તથા રૂ. 2.61 લાખના ખર્ચે રૂરલ પોલીસ સ્ટેશનના બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે. નવનિર્મિત ધોળકા પોલીસ આવાસ આશરે 7855.856 ચો. મી જેટલી જગ્યામાં નિર્માણ પામ્યું છે તથા નવનિર્મિત ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન 1504.512 ચો.મી. જેટલી જગ્યામાં નિર્માણ પામ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાગરિક અને પોલીસકર્મીની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. તથા પોલીસકર્મી તેમના પરિવારજનો સાથે સારી સગવડથી રહી શકે તેવા આવાસનું નિર્માણ કરાયું છે.
મંત્રી હર્ષ સંઘવીએ પોલીસની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે, પોલીસ એટલે શું તે સમજવું હોય તો નજીકથી એમના જીવનને નિહાળવું જરૂરી છે. આજે કોઈપણ આપત્તિ સમયે સૌથી પહેલાં તમારા દ્વારે પહોંચે તે પોલીસ. તેમણે કહ્યું કે, હમણાં જ લેવાયેલ જુનિયર કલાર્કની પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ યોગ્ય સમયે સ્થળ પર પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસે પણ ઉત્તમ કામગીરી કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વ્યાજખોરોના દૂષણમાંથી લોકોને મુક્ત કરાવવા કટિબદ્ધ છે. આજે ગુજરાત પોલીસે તાલુકા મથકો સુધી જઈને 3500થી વધારે લોકદરબાર યોજીને વ્યાજખોરોના ચક્રમાંથી લોકોને બચાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની લડાઈ અવિરતપણે ચાલી રહી છે. તેમણે પોલીસને સૂચન કરતાં કહ્યું હતું કે, નાગરિકોને મળવા તથા તેમને સાંભળવા માટે પોલીસે યોગ્ય સમય આપવો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા કટિબદ્ધ છે. પોલીસ કર્મચારીના પરિવારજનોને પાયાની સુવિધાઓ તથા રહેવા માટે મોકળાશ મળી રહે તે રીતે આવાસનું બાંધકામ કરાયું છે.