પોલીસને દાઢી રાખવાનો બંધારણીય અધિકાર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ
લખનૌઃ પોલીસ કર્મચારીને દાઢી રાખવા મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચે કહ્યું હતું કે, પોલીસ દળમાં દાઢી રાખવાનો સંવેધાનિક અધિકાર નથી. આમ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસમાં દાઢી રાખવાના ઈન્કાર સામે દાખલ થયેલી અરજી ફગાવી હતી. હાઈકોર્ટે અરજી દાખલ કરનાર પોલીસ કર્મચારી સામેના બરતરફીના આદેશ અને આરોપ પત્રમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો.
આ આદેશ જસ્ટીસ રાજેશ સિંહ ચૌહી સિંગલ બેંચે અયોધ્યા જિલ્લાના ખંડાસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિપાઈ મહંમદ ફરમાનએ બે અલગ-અલગ અરજીઓ કરી હતી. આ અરજીમાં ડીજીપીએ તા. 26મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર કરેલા સરક્યુલરની સાથે પોલીસ ઉપમહાનિરીક્ષક અને વરિષ્ટ પોલીસ અધિક્ષક અયોધ્યા દ્વારા જાહેર કરેલા સસ્પેન્ડના આદેશને પડકાર્યો હતો. બીજી અરજીમાં વિભાગીય અનુશાસનાત્મક કાર્યવાહીમાં અરજદાર સામેના આરોપ પત્રને પણ પડકારવામાં આવ્યો હતો.
અરજદારે જણાવ્યું હતું કે, સંવિધાનમાં મળેલી ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ તેણે મુસ્લિમ સિદ્ધાંતોને આધારે દાઢી રાખી છે. આ અરજીનો સરકારી વકીલે વિરોધ કર્યો હતો. તેમજ બંને અરજીઓના ગુણ-દોષ ઉપર સવાલ ઉભા કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, પોલીસ દળને અનુશાસનમાં રાખવા માટે નિર્દેશ જાહેર કરાયો છે. લો ઇન્ફોર્સમેન્ટ એજન્સી હોવાના કારણે તેની છબી પણ સેક્યુલર હોવી જોઇએ. કોર્ટે કહ્યું હતું કે, પોતાના એસએસઓની ચેતવણી છતા દાઢી ન કરાવીને અરજદારે તેની અવમાનના કરી છે.