રાજકોટમાં દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિક સમસ્યા સામે પોલીસની ડ્રાઈવ, દબાણો હટાવાયા
રાજકોટઃ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વિકટ બની રહી છે. ટ્રાફિક સમસ્યા નિવારવામાં પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર જેટલું નિષ્ફળ નિવડ્યું છે એટલા જ શહેરીજનો પણ જવાબદાર છે. કારણ કે ઘણાબધા શહેરીજનો જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. બે દિવસ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રાફિક ડીસીપી યાદવની હાજરીમાં યોજાયેલા ઓપન હાઉસમાં ટ્રાફિકને લગતા 100 જેટલા પ્રશ્નો વેપારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સોમવારે ટ્રાફિક શાખાએ શહેરની મુખ્ય બજારમાં ડ્રાઇવ કરીને દુકાનો બહાર કરવામાં આવેલા દબાણ દૂર કરી મોટી સંખ્યામાં સામગ્રી કબજે કરી હતી.
રાજકોટ શહેરના દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા યક્ષ પ્રશ્ન બન્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે સવારે 8 વાગ્યે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી જે.બી. ગઢવી સહિતની ટીમ દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, અને લાખાજી રોજ પરની બજારમાં પહોંચી હતી. વેપારીઓ દ્વારા દુકાનની બહાર ફૂટપાથ પર માલસામાન રાખી દબાણ કરવામાં આવ્યું હતું. રાહદારીઓ ફૂટપાથ પર ચાલી શકતા નહોતા. ટ્રાફિક પોલીસની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ પણ આ ઝુંબેશમાં જોડાઇ હતી. દુકાનની સામે કોઇ વાહન પાર્ક થાય નહીં તે માટે વેપારીઓ દ્વારા મીઠાના બાચકા રાખવામાં આવ્યા હતા, કેટલીક દુકાનોની બહાર પૂતળા અને બેગ રાખવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી મીઠાના 56 બાચકા, 79 કિલો શાકભાજી, 1 રેંકડી, પ્લાસ્ટિકના 8 પાર્સલ, 15 બેગ, ચાનો તૂટેલો થડો, 3 જગ, સાણસી અને 1 કિટલી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી દબાણ દૂર કર્યું હતું તેમજ અડચણરૂપ રીતે પાર્ક કરાયેલા 10 વાહનો ટોઇંગ કરાયા હતા અને 9 ડિટેન કરાયા હતા. શહેરના મુખ્ય 32 પોઇન્ટ પર પીએસઆઇ સહિતના સ્ટાફને તૈનાત કરવામાં આવશે અને ટ્રાફિકજામ ન થાય તેને પ્રાથમિકતા આપવામાં આવશે. (file photo)