રાજકોટઃ શહેરમાં ઘણાબધા વાહનચાલકો પોતાના વાહનોને ફેન્સી નંબર પ્લેટ લગાવતા હોય છે, તેમજ કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવતી હોય છે. ફેન્સી નંબર પ્લેટ લગાવવી કે વાહનોના કાચ પર ફિલ્મ લગાવવી એ ટ્રાફિકના કાયદાનો ભંગ સમાન છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ફન્સી નંબર પ્લેટ્સ અને વાહનોના કાચ પર લગાવાયેલી બ્લેક ફિલ્મ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં અનેકવાહનચાલક પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.
રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ઘણા લોકો એવા છે કે, નવા વાહનની ખરીદી કરે વાહનો પર ફેન્સી નંબર પ્લેટ રાખવાતા હોય છે. તેમજ કારમાં કાળા કાચ રાખીને ફરતાં કારચાલકો સામે પોલીસે દંડરૂપી ધોકો પછાડવાનું શરૂ કરતાં કાયદાનો ભંગ કરી રહેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટ્રાફિક પોલીસની સાથે જ અન્ય પોલીસ મથકોના સ્ટાફને પણ ચેકિંગની કામગીરીમાં જોંતરી દેવામાં આવ્યો હોવાથી પોલીસ દ્વારા સવાર અને સાંજ ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો દંડાઈ રહ્યા છે. તાજેતરમાં જ ચાર દિવસની અંદર પોલીસ દ્વારા લાખો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવ્યા બાદ ચેકિંગનો સિલસિલો યથાવત રાખ્યો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલું જ રાખવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં પોલીસના ચેકિંગમાં દર ત્રીજો વાહનચાલક દંડાઈ રહ્યો છે મતલબ કે કાં તો તેની નંબરપ્લેટ ઠીક નથી, કાં તો તેણે કારમાં કાળા કાચ લગાવેલા છે કાં તો નંબરપ્લેટ વાંકીચૂકી રાખેલી છે. એકંદરે આટલી સંખ્યામાં થઈ રહેલા નિયમભંગને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હોવાનું જાણવા મળી રહ્યું છે. થોડા સમય પહેલાં પોલીસ દ્વારા આ પ્રકારનું ચેકિંગ કરીને દૈનિક દસેક લાખથી વધુની વસૂલાત કરવામાં આવતાં લોકરોષ ભભૂકી ઉઠ્યો હતો જેને શાંત કરવા માટે થોડા સમય સુધી પોલીસે દંડ વસૂલાતની કામગીરી બંધ કરી દીધી હતી. જો કે હવે ફરી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ વખતે લોકરોષની પરવા કર્યા વગર લોકો ‘કાયદા’માં રહીને જ વાહન ચલાવે તે માટે દંડરૂપી સબક શીખવવાનું શરૂ કરી દીધું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને ભક્તિનગર, માધાપર ચોકડી, સદર બજાર, કાલાવડ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, કિસાનપરા ચોક, જામનગર રોડ સહિતના લગભગ તમામ વિસ્તારોમા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો પાસેથી 300થી લઈ 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. (file photo)