Site icon Revoi.in

પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે મામલે હજુ પરિપત્ર ન કરાતાં ચાલુ માસે પગાર વધારો નહી મળે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ કર્મચારીની લડત બાદ સરકારે ગ્રેડ-પે જાહેર ન થાય ત્યાં સુધી વચગાળાનું ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. તેથી પોલીસ કર્માચારીઓ રાજીના રેડ થઈ ગયા હતા. અને ઓગસ્ટનો પગાર વધીને આવશે તેવી આશા રાખીને બેઠા છે. પણ સરકાર દ્વારા હજુ વચગાળાની રાહત અંગે કોઈ પરિપત્ર ન કરાતા ઓગસ્ટના પગારમાં વધારો નહીં મળશે નહીં, એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પોલીસ કર્મચારીઓએ ગ્રેડ-પે મામલે આંદોલન શરૂ કર્યું હતું. જો કે આ આંદોલનને શાંત કરવા સરકારે કમિટીની રચના કર્યા બાદ પોલીસ માટે ગ્રેડ પે જાહેર ના થાય ત્યાં સુધી વચગાળાનું ભથ્થું આપવાની ભલામણ કરી હતી. ભલામણ કર્યાને પણ 4 મહિના વિતવા છતાં લાભ મળે એવી તકની રાહ જોતી ગુજરાત સરકાર જાહેરાત કરે એ પહેલાં જ અરવિંદ કેજરીવાલે પોલીસને ગ્રેડ પે આપવા અંગે નિર્ણય જાહેર કરતાં જ સફાળી જાગેલી સરકારે તાત્કાલિક પગાર ભથ્થાં વધારાની જાહેરાત કરી હતી. પણ રાજ્ય સરકારે પગાર વધારાને લગતો કોઈ પણ પ્રકારનો જીઆર હજુ સુધી કર્યો ન હોવાની માહિતી મળી રહી છે ત્યારે પોલીસ કર્મચારીઓને આગામી મહિને એટલે કે ઓગસ્ટ માસના પગારમાં પગાર વધારાનો લાભ નહિ મળે. પોલીસ કર્મચારીઓને જે પગાર મળે છે તેટલો પગાર ઓગસ્ટ માસનો મળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સ્વતંત્રતા પર્વ ઊજવણીની આગલી સાંજે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોલીસ કર્મચારીઓ માટે રૂપિયા 550 કરોડનું ભંડોળ ફાળવ્યાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને 11 દિવસ વિતવા છતાં હજુ સુધી પોલીસ કર્મચારીઓ માટે નાણાં વિભાગ દ્વારા જીઆર કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકારે 14 ઓગસ્ટે તો આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી. પરંતુ જાહેરાત સંબંધિત પરિપત્ર હજુ બહાર પાડ્યો નથી. ત્યારે હજુ પણ પોલીસ કર્મચારીઓને આર્થિક પેકેજનો લાભ મેળવવા માટે રાહ જોવી પડશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ તમામ પોલીસ કર્મચારીઓને તેનો લાભ દિવાળી આસપાસ મળતો થાય તેવી જાણકારી ગૃહ અને નાણાં વિભાગ તરફથી મળી રહી છે.

કેજરીવાલની જાહેરાત બાદ ગુજરાત સરકારે ઊતાવળે પગલાં ભરવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે પોલીસ ગ્રેડ પે બાબતે પોતાનો પક્ષ રજૂ કરતાં ગુજરાત સરકાર માટે જરૂરી બની ગયું હતું કે, તાત્કાલિક ધોરણે પોલીસ પગાર અંગે જાહેરાત કરવામાં આવે. આમ, સ્વતંત્રતા પર્વ ઉજવણીની આગલી સાંજે જ સરકારે પોતાનો નિર્ણય જાહેર કરવો પડ્યો હતો.