પોલીસની બંદુક બોલીઃ બે ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર
અમદાવાદઃ સુરેન્દ્રનગરના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટમાં કુખ્યાત ગુનેગાર એવા પિતા-પુત્રને ઠાર મરાયાં હતા. અંનેક ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્રને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં પુત્રએ પોલીસ અધિકારી ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો. જેથી પોલીસે સ્વ-બચાવમાં કરેલા ગોળીબારમાં કુખ્યાત ગુનેગાર પિતા-પુત્રના મોત થયાં હતા. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ બાદ ન્યાયની માંગણી સાથે મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માલવણ ચોકડી નજીક પોલીસ પેટ્રોલીંગ કરતી હતી ત્યારે કુખ્યાત ગુનેગાર હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીન અહીંથી પસાર થતા પોલીસે શંકાના આધારે પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન હનીફ ખાને પોતાની પાસે રહેલી રિવોલ્વરથી પોલીસ ટીમ ઉપર ફાયગિંર કર્યું હતું. એટલું જ નહીં પુત્ર મદીને પીએસઆઈ વી.એન.જાડેજા ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ થયાં હતા. આરોપીઓએ પોલીસ ટીમ ઉપર કરેલા હુમલાના પગલે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. જેમાં બંને પિતા-પુત્રના મોત થયાં હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. તેમજ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે ઘરમાં ઘુસીને પિતા-પુત્રની હત્યાનો આરોપ લગાવીને પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પરિવારને સમજવા માટે સ્થળ પર દોડી ગયા હોવાનું જાણવા મળે છે.