ભૂજઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રનો સાગરકાંઠો નામચીન બની રહ્યો છે. જેમાં કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે ડ્રગ્સના બીનવારસી પેકેટ્સ મળી રહ્યા છે. ત્યારે આજે બુધવારે અબડાસાના પિંગલેશ્વરના દરિયા કાંઠેથી ચરસના વધુ 8 પેકેટ્સ પોલીસને મળી આવ્યા હતા. ગત 8 જૂનથી કોટેશ્વરથી નારાયણ સરોવર સુધીના દરિયાઇ વિસ્તારમાંથી મળી રહેલા બિનવારસી ચરસના પેકેટનો આંક આ વર્ષે 170ને પાર કરી ગયો છે. લગાતાર મળી રહેલા નશીલા પેકેટના પગલે સલામતી દળો અને સુરક્ષા એજન્સીઓએ સઘન પેટ્રોલીંગની પ્રક્રિયા વધારી દીધી છે.
કચ્છના દરિયા કાંઠા વિસ્તારમાંથી ગત 8 જૂનથી બિનવારસી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા 10 દિવસમાં ચરસના 172 પેકેટ મળી આવ્યા છે. ગઈકાલે મંગળવારે બીએસએફ જવાનોને શેખરણપીર ટાપુ વિસ્તારમાંથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા.ત્યારબાદ આજે બુધવારે અબડાસા તાલુકાના પિંગલેશ્વર અને નાયરો નદી વચ્ચેના સમુદ્રી વિસ્તારમાંથી વધુ 8 પેકેટ ચરસના મળી આવ્યા છે. બિનવારસી હાલતમાં મળી આવેલા ચરસના પેકેટને બીએસએફના જવાનોએ પોલીસને સોંપ્યા હતા.
કચ્છના સમુદ્રકાંઠા વિસ્તારમાં પોલીસ, બીએસએફ અને મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. PSI બીઆર કોલી અને એમની મરીન કમાન્ડોની ટીમ દિપક ભડાણીયા, સંજય યુ.પરમાર, ભાવેશ ભાઈ જોટવા, મહાવીરસિંહ જેઠવા, સાગર મહીડા, જુવાનસિંહ ગોહિલ ક્રુષ્ણદેવ સિંહ સરવૈયા, ડ્રાઈવર દેવેન્દ્ર સિંહ ડોડીયા તથા AIO બીબી સંઘાર સાથે કોસ્ટલ પેટ્રોલિંગમાં હતાં ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો એક કોથળો મળી આવ્યો હતો. જેને ખોલતા તેમાંથી ચરસનાં પેકેટ નંગ 8 મળી આવ્યા હતા. આ પેક્ટને જખૌ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે.