- સુરત પોલીસે સાયબર ફ્રોડ કેસમાં ત્રણ આરોપીને દબોચી લીધા,
- ચાઈનિઝ ગેન્ગ દુબઈમાં ભારતીય લોકોને નોકરી પર રાખતા હતા,
- આરોપીઓ લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લેતા હતા
સુરતઃ દેશ અને ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં ડિજિટલ એરેસ્ટથી લઈને અવનવી તરકીબો અપનાવીને સાબર ફ્રોડ ગેન્ગ લોકોને ડરાવી-ધમકાવીને કે છેતરીને ભાડેથી રખાયેલા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી દેતી હોય છે. ભણેલા-ગણેલા લોકો પણ સાયબર ફ્રોડ ગેન્ગની ઝાળમાં સપડાતા હોય છે. ત્યારે સુરત પોલીસે સાયબર ફ્રોડ ગેન્ગના ત્રણ શખસોને દબોચી લીધા હતા. ત્રણ આરોપીઓની પૂછપરછમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે. દેશમાં થતા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના તાર ચીન સુધી લંબાયા છે. ચાઈનીઝ ગેંગના લોકો દુબઈમાં ભારતીયોને નોકરી પર રાખી ગુજરાત સહિત ભારતના અનેક લોકોને નિશાન બનાવી પૈસા ખંખેરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અલગ અલગ લોકોના ખાતા ભાડા પર મેળવી તેના મારફત અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી ક્રિપ્ટ કરન્સીમાં કનવર્ટ કરી ચાઈનીઝ ગેંગને પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.
સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધી 111 કરોડના સાઇબર ફ્રોડમાં સામેલ સિન્ડિકેટના ત્રણ લોકોની ધરપકડ કરી છે. દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડમાં પીડિત દ્વારા જે લાખો કરોડો રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તેને આરોપીઓ અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરી ચાઈનીઝ બેંકને આપવાનું કામ કરતા હતા. સુરત સાયબર સેલની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સિન્ડિકેટ વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ કેસો નોંધાયેલા છે. આ લોકો સૌ પ્રથમ જરૂરિયાતમંદ લોકોને લાલચ આપીને તેમની પાસેથી પુરાવા મેળવી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. ચાઈનીઝ ગેંગના ભેજાબાજો દુબઈમાં બેસીને ભારતના જ લોકોને એજન્ટ તરીકે સાઇબર ફ્રોડની ઘટનામાં વાપરતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચાઈનીઝ ગેંગ એ રીતે કામ કરે છે કે પહેલા તો દુબઈમાં ભારતની ભાષાના જાણકાર લોકોને નોકરી પર રાખે છે. જેમને એક લાખથી દોઢ લાખ રૂપિયા પગાર આપે છે. અને આરોપીઓનું કામ માત્ર સાયબર ફ્રોડની ઘટના જે પીડિત સાથે બની છે. તેમને વારંવાર કોલ કરી ધમકાવવાનું અને બ્લેકમેલ કરવાનું હોય છે. આ ઉપરાંત પોતાના ભારતના એજન્ટના માધ્યમથી પીડિત જે પણ એમાઉન્ટ બેંકમાં નાંખે તેને તે બેંકથી મલ્ટીપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાનું અને ત્યારબાદ તે એમાઉન્ટને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરાવવાનું કામ આ ચાઈનીઝ ગેંગ કરતી હતી..
સુરત પોલીસે સાયબર ફ્રોડ ત્રિપુટીની ધરપકડ કરી છે. આ ત્રિપુટી ચાઈનીઝ ગેંગ માટે બેન્ક એકાઉન્ટમાં આવેલા પીડિતના લાખોને કરોડો રૂપિયા લોકોના અલગ અલગ નામથી જે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે તેવા મલ્ટીપલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ ચાર લેયરમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તેઓ તેને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરે છે અને આ ચાઈનીઝ ગેંગને આપે છે અને ત્યારબાદ ચાઈનીઝ ગેંગ 30 થી 40% કમિશન આ એજન્ટોને આપે છે. પોલીસે આરોપીના રિમાન્ડ લઈને પૂછતાછ કરી રહી છે.