અમદાવાદઃ શહેરમાં રથયાત્રાના પર્વને હવે એક જ મહિનો બાકી રહ્યો છે. ત્યારે શહેરની પોલીસ એલર્ટ બની ગઈ છે. અને સમયાંતરે બહારથી આવતા વાહનોનું ચેકિંગ તેમજ ગુનેગારો પર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન શહેર પોલીસને બાતમી મળી હતી. કે, શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાક તડિપાર અને વોન્ટેડ શખસો નિવાસ કરી રહ્યા છે. તેથી પોલીસે મેગા ઓપરેશન હાથ ધરીને તડિપાર થયેલા અને પોલીસના ચોપડે વોન્ટેડ હોય એવા 49 આરોપીઓને દબોચી લીધા હતા.
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના કેટલાક કુખ્યાત તડીપાર કરાયેલા ગુનેગારો અલગ અલગ જગ્યાએ છૂપાયેલા હોવાની માહિતી અમદાવાદના ઝોન-5 ડીસીપી બળદેવ દેસાઈને મળી હતી. તેમણે તાત્કાલિક આખા ઝોનના પોલીસ અધિકારીઓને ભેગા કરીને 8 PI, 13 PSI સહિત 65 પોલીસકર્મીની ટીમ બનાવી હતી. બાદમાં શુક્રવારે વહેલી પરોઢિયે ગુનેગારોને પકડવા શહેરના પૂર્વ વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતુ. આખા ઝોનમાંથી તડીપાર અને વોન્ટેન્ડ 49થી વધુ ગુનેગારો ઝડપાયા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં એક સમયે સૌથી વધુ ગેંગ ધરાવતો વિસ્તાર એટલે ઝોન 5 ગણાતો હતો. જેમાં અલગ અલગ ગેંગ પોતાનું સામ્રાજ્ય ફેલાવવા માટે ગુના આચરતી હતી. આ ગેંગના જૂના અને નવા ગુનેગારો એક વખત ગુનો આચરીને ફરાર થઈ જતા હોય છે. તાજેતરમાં પાંચ વિસ્તારમાં આવા કેટલાક તડીપાર ગુનેગારો આવીને છૂપાયા હોવાની જાણ ડીસીપી ઝોન 5 બળદેવ દેસાઈને થઈ હતી. જેથી તેમણે તાત્કાલિક એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દિવસે નહીં પણ વહેલી પરોઢિયે હાથ ધરવામાં આવ્યુ હતુ. DCPએ ટીમને સૂચના આપી હતી કે, દરેક ગુનેગારોના ઘરે, તેમના સંભવિત ઠેકાણા અને બની શકે તો ગુનેગારો કોઈ જગ્યાએ ભેગા થયા હોય તેવી જગ્યાએથી તેમને દબોચી લેવા, પોલીસની વિવિધ ટીમોએ પરોઢિયે એક સાથે 49 જેટલા આરોપીને ઝડપીને કાર્યવાહી કરી છે. રથયાત્રામાં આવા ગુનેગારોને પકડવા માટેની આખી ડ્રાઈવ ચાલતી હોય છે તે પહેલા ડીસીપીએ મહત્વની કામગીરી કરીને મોટાભાગના ગુનેગારોને સળિયા પાછળ ધકેલવા અને તડીપાર કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રથયાત્રા દરમિયાન શાંતિ જળવાય રહે તે માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરના ઝોન-5 વિસ્તારમાં નિકોલ, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, અમરાઈવાડી, ખોખરા, ઓઢવ, રામોલ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ACP કક્ષાના અધિકારીના નેતૃત્વમાં સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ 13 ટીમ દ્વારા વહેલી સવારે 4થી 5.30 વાગ્યે જે-તે વિસ્તારોમાં તડીપાર 49 આરોપીઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી.