ભૂજઃ કચ્છ જિલ્લામાં એક ફિલ્મી સ્ટાઈલની ઘટના બની હતી.. પૈસાની લેવડદેવડના વિવાદનું સમાધાન કરવા આવેલા યુવકોને હીરોગીરી કરવાનું ભારે પડી ગયું હતું. માંડવી તાલુકાના નાની વિરાણી ગામે ફુલ સ્પીડમાં કાર હંકારીને આવેલા યુવાનોને ગામના સરપંચે ઠપકો આપતા યુવાનોએ રિવોલ્વર કાઢી હતી. દરમિયાન ગામના લોકો ભેગા થઈ જતાં યુવાનો ફાયરિંગ કરીને ભાગ્યા હતા. દરમિયાને ગામના સરપંચે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે એસયુવી કારમાં નાસેલા શખસોનો 66 કિમી સુધી પીછો કરીને ચાર શખસોને દબોચી લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ માંડવી તાલુકાના નાની વિરાણી ગામમાં રહેતા જીતુ પટેલ પાસે રૂપિયાની લેણદેણમાં સમાધાન માટે ગયા હતા. જીતુ ઘરે ન મળતા તેઓ મંદિરે ગયા હતા. આ દરમિયાન તેમણે ગામની સાંકડી ગલીઓમાં તેજ ગતિએ કાર ચલાવતા ગામના સરપંચ લાલજી મહેશ્વરી સાથે તેની બોલાચાલી થઈ હતી. જ્યારે ગામના લોકોને એસયુવીમાં સવાર યુવકની વર્તણૂંક પર શંકા ગઈ તો ભારે ભીડ એકઠી થઈ ગઈ. સરપંચે સમગ્ર મામલે ગડસીમા પોલીસને જાણ કરી હતી. હવે ભીડની વચ્ચે ફસાતાં જોઈને SUVમાં સવાર યુવકોએ લોકોને હટાવવા માટે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. નાની વિરાણી ગામમાં ગ્રામજનો પર ફાયરિંગ કરીને એસયુવીમાં ચાર શખસો ભાગી રહ્યા હતા. જેમને ઝડપી પાડવા માટે પોલીસે 44 મિનિટ સુધી પીછો કર્યો હતો. એટલું જ નહીં 66 કિલોમીટર પીછો કરી 4 આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચારે આરોપીને પકડવા માટે કન્ટ્રોલરૂમને મેસેજ અપાયો હતો અને પોલીસ પીછો કરતી હતી, પણ એસયુવી કાર ફુલ સ્પીડમાં હોવાથી તેનો ફીછો કરવું મુશ્કેલ બન્યું હતું. દરમિયાન અન્ય પોલીસ ટીમે શેરડી ગામ પાસે ટાયર વડે રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પણ આરોપીએ ગાડીને પૂર ઝડપે ભગાડી હતી. જેથી કરીને એસયુવી ટાયર પર કૂદીને ત્યાંથી આગળ વધી ગઈ હતી. ત્યારબાદ ટીમે કોડે પોલીસ સ્ટેશન અને માંડવી પોલીસ સ્ટેશનમાં તેમના સમકક્ષોને તેમજ રસ્તાઓ બ્લોક કરવા માટે જાણ કરી હતી. આ પણ નિષ્ફળ થઈ જતા માંડવી હાઈવે પરના પોલીસે કાફલો ખડકી દીધો હતો. જોકે આ ગાડીએ તેને પણ હંફાવી દેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ હાર ન માની અને કોડે અને ગઢસીસા પોલીસ સ્ટેશનની બે પોલીસ વાન અને અન્ય ખાનગી વાહનો સાથે અધિકારીઓએ એસયુવીનો પીછો કર્યો હતો. જોકે ત્યારપછી એસયુવીએ યૂટર્ન મારી પોલીસને માત આપવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો દાવ ઉંધો પડી ગયો અને પોલીસે ચાર રસ્તા બ્લોક કરવા માટે 3 ટ્રકો મૂકી દીધી હતી. અંતે આ યોજના સફળ રહી અને ચારેય શખસોની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 44 મિનિટમાં 66 કિલોમીટર અંતર કાપી આ શખસોની અટકાયત કરી હતી.