સંસદની સુરક્ષા ચૂક કેસમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો, આગવી ઢબે શરુ કરી પૂછપરછ
નવી દિલ્હીઃ સંસદભવનમાં સૂરક્ષા ચૂક મામલે દિલ્હી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન આ કેસમાં મહેશ કુમાવત નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધીમાં છ આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આરોપીના બળી ગયેલા મોબાઈલ ફોન, કપડાં અને શૂઝના અવશેષો પણ કબજે કર્યા હતા. દરમિયાન મહેશ કુમાવતને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે કુમાવતને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
પોલીસે જણાવ્યું કે મહેશ છેલ્લા બે વર્ષથી અન્ય આરોપીઓ સાથે સંકળાયેલો હતો અને તે કાવતરાનો ભાગ હતો. તેણે લગભગ તમામ મીટીંગોમાં ભાગ લીધો હતો. તે મુખ્ય આરોપી લલિત ઝા સાથે મોબાઈલ ફોન અને પુરાવાનો નાશ કરવામાં સક્રિય રીતે સામેલ હતો. તપાસ ટીમે મહેશના ઈન્સ્ટાગ્રામને ડીકોડ કરીને ઘણા ખુલાસા કર્યા છે. મહેશ પર યુવકોને ઉશ્કેરવાનો તેમજ વીડિયો દ્વારા તેમનું બ્રેઈનવોશ કરવાનો આરોપ છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ક્રાંતિકારીઓની તસવીરો પોસ્ટ કરતો હતો. એટલું જ નહીં મહેશ કુમાવતે મુખ્ય સુત્રધાર લલિત ઝાને છૂપાવવામાં પણ મદદ કરી હતી. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ખુલાસો થયો છે કે તે આરોપીઓને માત્ર લોજિસ્ટિકલ સપોર્ટ જ નથી આપતો પરંતુ આ ગ્રુપ અને ષડયંત્રમાં પણ તેની મહત્વની ભૂમિકા હતી.
આરોપીએ દિલ્હી પોલીસને જણાવ્યું કે, લલિત ઝા આ પ્રકરણનો માસ્ટર માઇન્ડ હતો. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા હતા અને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. આ લોકો આ ઘટનાને અંજામ આપવા માટે ઘણા દિવસોથી પ્લાન કરી રહ્યા હતા. ગૃહની અંદર ધરપકડ કરાયેલા મનોરંજન ડીએ પોલીસને જણાવ્યું હતું કે તે માર્ચ 2023માં સંસદ ભવનમાં સુરક્ષાની માહિતી મેળવવા માટે ગયો હતો અને પછી તેણે પોતાનો પ્લાન બનાવ્યો હતો. સાગર શર્મા પણ માર્ચ મહિનામાં ગૃહની અંદર જવા માંગતો હતો, પરંતુ તેને પાસ મળ્યો ન હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ ઘણા ખુલાસા કર્યા છે.