• છેલ્લા 20 વર્ષથી લાંચ કેસના નિયમોમાં ગૃહ વિભાગે ફેરફાર કર્યો,
• લાંચ માગવાના કેસમાં ગૃહ વિભાગ બીજા સ્થાને છે,
• લાંચ કેસમાં પકડાયેલા પોલીસ કર્મીઓને મહત્વની જગ્યાઓ પર પોસ્ટિંગ નહીં અપાય
ગાંધીનગરઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં મહેસુલ વિભાગ બાદ પોલીસ વિભાગ બીજા સ્થાને છે. પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની બદી ફુલીફાલી છે. એસીબી દ્વારા પોલીસ વિભાગમાં લાંચના કેસ પકડવામાં આવે છે. ત્યાર બાદ લાંચ કેસમાં પકડાયેલા પોલીસ કર્મી સામે કેસ ચાલે છે. જોકે લાંચ કેસમાં પકડાતા જ પાલીસ કર્મચારીને ફરજ મોકુફી યાને સસ્પેન્ડ કરવામાં આવે છે, અને હાલના નિયમ પ્રમાણે બે વર્ષ બાદ સસ્પેન્ડ કર્મચારીને પુનઃ ફરજ પર લેવામાં આવે છે. હવે ગૃહ વિભાગે નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં લાંચ કેસમાં સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મચારીઓને બે નહીં પણ માત્ર એક વર્ષમાં નોકરી પર પુનઃ લેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ગૃહ વિભાગે લાંચ કેસમાં પકડાયેલા પોલીસ કર્મચારીઓ માટેના 20 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને પરિપત્ર કર્યો છે કે, અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયા બાદ સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી-કર્મચારીને બે વર્ષ સુધી ફરજ મોકૂફ રાખવામાં આવતા હતા. તેઓને હવે એક વર્ષની રાહત આપીને લાંચ કેસમાં પકડાયાના એક વર્ષ બાદ જ નોકરી પર પુન: લેવામાં આવશે. આ પરિપત્ર ગૃહવિભાગના ઉપસચિવ દ્વારા 12 નવેમ્બરના બહાર પાડીને રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાઓને મોકલી આપી આ પરિપત્રનો તાકીદથી અમલ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના કોઇપણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર કે તેનાથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારી કે કર્મચારી લાંચ લેતા પકડાય અથવા તો ડી.એ. કેસ મુજબ લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ 1988 હેઠળ કેસ દાખલ થાય અને પોલીસ અધિકારી કે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તો તેઓને બે વર્ષ સુધી ફરજ પર પુન: ન લઈ શકાય તેવી જોગવાઈ હતી. જો કે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ ગૃહવિભાગને દરખાસ્ત કરીને સમીક્ષા કરવા માટે સૂચન કર્યું હતું. દરમિયાન તા.13-09-2004ના ઠરાવની પુન: વિચારણા કરવાની દરખાસ્ત અંગે સમીક્ષા કરવામાં આવ્યા બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, પોલીસ તપાસના જે કેસમાં સંબંધિત અધિકારી-કર્મચારી સામે લાંચનો ગુનો નોંધાયો હોય, કોર્ટમાં તપાસનીશ પોલીસ અધિકારીએ તહોમતનામું મુકી દીધેલું હોય તેવા કિસ્સામાં ફરજમોકૂફી હેઠળ મુકાયાના એક વર્ષ બાદ જ પુન: સ્થાપિત કરવા એટલે કે એક વર્ષ બાદ જ નોકરી પર લઈ લેવા. જ્યારે અગાઉનો જે 13-09-2004ના ઠરાવમાં અન્ય જે જોગવાઈઓ હતી તે યથાવત રાખવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગૃહ વિભાગે જારી કરેલા પરિપત્ર મુજબ લાંચ કેસમાં પકડાયેલા અધિકારીને એક વર્ષ બાદ નોકરી પર ફરી લઇ લેવાના રહેશે પણ આવા અધિકારી-કર્મચારીને બિનસંવેદનશીલ જગ્યા પર જ નિમણૂક આપવાની રહેશે. એટલે કે લાંચ લેતા પકડાયેલા કે ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા અધિકારી કે કર્મચારીને ફિલ્ડની નોકરીમાં જગ્યા મળશે નહીં તેઓએ એમ.ઓ.બી., એલ.આઈ.બી. સહિતની બ્રાન્ચમાં જ નોકરી કરવી પડશે.