ગાંધીનગરઃ રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં 851 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 152 આરોપીઓ સામે ગુના દાખલ કરી 103 એફઆઈઆર નોંધવામાં આવી છે. 152 આરોપીઓ પૈકી 105 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા 27 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પોલીસ યુનિટોને સ્પાની આડમાં ચાલતી ગેરકાયદે દેહવ્યાપારની પ્રવૃત્તિ પર અસરકારક કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ આદેશ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતનાં શહેરોમાં ઝોનવાઈઝ પોલીસ ટીમો, ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી માહિલા સેલ, AHTU, IUCAWની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 50 કેસ કરવામાં આવ્યા છે. તો રાજકોટમાં પણ 50 સ્પામાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સોસાયટીના ઘરમાં સ્પાના નામે દેહવ્યાપાર થતો હોવાનો પર્દાફાશ થયો હતો. આ રેડમાં ચાર યુવતીને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી તેમજ એક શખસની ધરપકડ કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સંચાલક એક ગ્રાહક પાસેથી 4000થી 5000 રૂપિયા પડાવતો હતો.
તા.17 ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પોલીસ અધીક્ષક,/રેન્જ અધિકારીઓ/પોલીસ કમિશનરો/સંયુક્ત પોલીસ કમિશનરો તથા નાયબ પોલીસ કમિશનરો સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે સમગ્ર રાજ્યમાં તા.18 ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.