Site icon Revoi.in

ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ, હાઈકોર્ટની ટકોર

Social Share

અમદાવાદઃ  શહેરમાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. વાહનચાલકોને પણ ટ્રાફિક પોલીસનો ડર ન હોય તેમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા જોવા મળે છે. વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તો મોટાભાગનો ટ્રાફિકના પ્રશ્નોનો અંત આવી જાય તેમ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી હતી કે, ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ

અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર સુનવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, કાયદો તોડનારા બેફામ બન્યાં છે પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. હાઈકોર્ટે પોલીસને કાયદાનો કડક અમલ કરવા ટકોર કરી હતી.  સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, લોકો નશો કરીને રસ્તા પર ગાડી ચલાવે છે જેને લીધે હિટ એન્ડ રનના બનાવો બને છે.પોલીસ માત્ર અલગ-અલગ ડ્રાઈવ કરે એટલું જ પૂરતું નથી. સારા નાગરિકની વર્તણૂંક કેવી હોય તેનું ભાન લોકોને કરાવવું પડશે. ટાયર કિલર્સ નાંખ્યા તો લોકોએ તેનો પણ તોડ શોધ્યો છે. ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.જ્યાં ટાયર કિલર્સ મુક્યા છે ત્યાં CCTV  પણ ઈન્સ્ટોલ કરીને પગલાં લેવા જાઈએ.

CCTV નેટવર્ક મુદ્દે હાઈકોર્ટ સરકારને ટકોર કરી હતી કે CCTV નેટવર્કમાં મોટાભાગનાં CCTV કેમેરા યોગ્ય રીતે નથી લગાવાયા. ત્યારે CCTV બાબતે સરકારે કહ્યું હતું કે નેશનલ હાઈવે પર CCTV ની જવાબદારી NHAIની છે. તેમજ પોલીસે કરેલી વિવિધ કામગીરીની વિગતો હાઈકોર્ટનાં ધ્યાને મુકાઈ છે. 25 જુલાઈથી 7 ઓગસ્ટ સુધીની વિગતો કોર્ટનાં ધ્યાને મુકાઈ હતી.