Site icon Revoi.in

અમદાવાદમાં જાહેર રોડ-રસ્તાઓ પર 4000 જેટલાં અત્યાધૂનિક સીસીટીવી કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે

Social Share

અમદાવાદ :  મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં વસતી અને વિસ્તાર કૂદકે ને ભૂસકે વધતો જાય છે. સાથે જ ગુનાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. ચોર, લૂંટારા અને આતંકીઓનું સોફ્ટ ટાર્ગેટ અમદાવાદ રહ્યું છે. આખા દિવસ દરમિયાન અમદાવાદ ના અલગ અલગ ખૂણેના ગુનેગારો કોઈને કોઈ ગુના ને અંજામ આપતા હોય છે. ત્યારે અમદાવાદની પોલીસ પણ સતર્ક બનીને ગુનેગારોને પકડવા માટે અત્યાધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. શહેરમાં જાહેર રસ્તાઓ પરના તમામ સીસીટીવી કેમેરાને પોલીસના કંટ્રોલરૂમ સાથે જોડી દઈને બાજ નજર રાખવામાં આવી રહી છે.

મેદાસિટી ગણાતા અમદાવાદ શહેર  દિવસેને દિવસે વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે ચોર, લૂંટારા, આતંકીઓ, અસામાજિક તત્વો પોતાના નાપાક મનસૂબા પૂરા કરવા માટે પ્રયાસ કરતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે ગુનેગારોની કોઈ પણ ગતિવિધિ પર નજર રાખવાનું મન મક્કમ કર્યું છે. ભૂતકાળ અને અત્યાર સુધીમાં શહેરીજનોને કોઈ પણ ગુનામાં પોતાનો  કિંમતી માલ સમાન ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આવી તમામ ઘટનાને હવે શહેર પોલીસ પહેલેથી રોકી શકશે અથવા ઘટના ઘટયા બાદ ગુનેગારોને સીસીટીવી કેમેરાના આધારે તાત્કાલિક પકડી લેશે. અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યાર સુધી 1400 કેમેરા સક્રિય હતા. હવે અમદાવાદ શહેર તેમજ અમદાવાદના પ્રવેશ કરવા અને બહાર નીકળવાના રસ્તા સહિતની જગ્યાઓ પર 2800 કેમેરા બીજા લગાડવામાં આવશે. એટલે કે કુલ 4 હજાર સીસીટીવી કેમેરા અમદાવાદમાં લગાવાશે. જે ગુનેગારો પર બાજ નજર રાખશે.

પોલીસ કમિશનર કચેરીના સૂત્રોએ  જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસની ત્રીજી આંખ તૈયાર થઈ રહી છે. આ ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા લગાડવા માટે અમદાવાદ શહેર પોલીસે પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં અમદાવાદના અલગ અલગ 1400 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જે પોઇન્ટમાં જાહેર રોડ, જાહેર જગ્યા, નામચીન ખરીદીની બજારો, આંગડિયા બજાર, ગાર્ડન, ભીડભાડવાળી જગ્યા, મંદિરો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને અમદાવાદના મુખ્ય ચાર રસ્તા સહિત અમદાવાદમાં પ્રવેશ કરવાના માર્ગ અને અમદાવાદમાંથી બહાર નીકળવાના માર્ગ પર આ ખાસ ટેકનોલોજીવાળા કેમેરા નજર રાખશે.  શહેરમાં સીસીટીવી લગાડવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં શહેર પોલીસના 10 પીએસઆઈને પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમ હાલ શહેરમાં ક્યાં ક્યાં સીસીટીવી લગાવવા પર સર્વે કરી રહી છે. આ કેમેરાની ખાસિયતોની જો વાત કરવામાં આવે તો, અલગ અલગ ચાર પ્રકારના સીસીટીવી લગાડવામાં આવશે, આ કેમેરાનું મોનિટરિંગ શહેર પોલીસના ઝોન ડીસીપી અને કન્ટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે.

(file-photo)