અમદાવાદઃ રાજ્યમાં તહેવારોનું મહાત્મય સૌથી વધુ હોય છે. નાના-મોટા દરેક તહેવારો લોકોત્સવ બની જતાં હોય છે. પણ આ વખતે કોરોનાને કારણે તહેવારો સાદગીથી અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરીને જ ઊજવવા પડશે. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો જેવા કે રમજાન ઈદ ,પરશુરામ જયંતી અને ગણેશ ચતુર્થીની ઊજવણી જાહેરમાં ન કરવા તેમજ લોકોને જાહેરમા એકત્રિત ન થવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યા છે. આ માટે તેમણે ધાર્મિક વડાઓ અને આગેવાનો સાથે બેઠક યોજીને સહકાર મેળવવા દરેક જિલ્લા પોલીસ વડાને સુચના આપવામાં આવી છે. જાહેરમાં ઊજવણી કરતા લોકો મળે તો તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ જિલ્લા પોલીસ અધિકારીઓ અને રેન્જ આઈ જી ને મહત્વની સૂચનાઓ આપી છે .જેમાં આગામી દિવસોમાં આવી રહેલા રમજાન ઈદ, પરશુરામ જયંતિ ઉજવણીને લઈને લોકો જાહેરમાં એકત્રિત ના થાય તે માટે થઈને જરુરી સૂચનાઓ આપી છે. આગામી એક સપ્તાહ માટે રાજ્યના 36 શહેરોમા કરફ્યુ અને નિયંત્રણો લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે .આ નિયંત્રણો દરમિયાન કોવિડની ગાઇડ લાઇનનો કડક અમલ કરવામાં આવે અને કરાવવામાં આવે તેવો આગ્રહ પણ રાખવામાં આવ્યો છે. આગામી તહેવારો દરમિયાન લોકો શહેરમાં ઉજવણી ન કરે તે માટે ખાસ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે તહેવારના દિવસો દરમિયાન ખાસ પોલીસ વોચ મૂકીને આવી ઊજવણી રોકવા આદેશ કરાયો છે. જરૂર જણાય તેવા કિસ્સામાં પોલીસ દ્વારા વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે બેઠક કરવામાં આવે અને જાહેરમાં ઊજવણી ન થાય તેઓ આગ્રહ પણ રાખવામાં આવ્યો છે