Site icon Revoi.in

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને રૂ. 5 લાખનું ઇનામ અપાશે : પ્રદિપસિંહ જાડેજા

Social Share

અમદાવાદઃ ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે. તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકારે આ નિર્ણય કર્યો છે.