અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ધાર્મિક તહેવારો પણ ઘરમાં રહીને ઊજવવા પોલીસે લોકોને અપિલ કરી હતી. રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં પોલીસે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને મસ્જિદ, મહોલ્લા, બજારોમાં ભીડ ભેગી નહીં કરી પરિવાર સાથે ઘરમાં જ ઈદની ઉજવણી કરવા અપીલ કરી હતી. જો તહેવારમાં ભીડ ભેગી થશે તો પોલીસ કાર્યવાહી કરાશે. આ સાથે પોલીસે માસ્ક ફરજિયાત પહેરવા પણ લોકોને સમજાવ્યા હતા.
અમદાવાદ શહેરમાં જે પણ ડીસીપીના તાબા હેઠળ લઘુમતી વિસ્તારો આવે છે તે તમામ ડીસીપીએ તેમના વિસ્તારોના શાંતિ સમિતિના સભ્યો અને મહોલ્લા કમિટીના સભ્યો સાથે સાંજે મીટિંગ યોજી હાલની કોરોનાની પરિસ્થિતિ, સરકારી ગાઇડલાઇન, પોલીસ કમિશનરના જાહેરનામા અંગે માહિતગાર કર્યા હતા તેમ જ તેમના વિસ્તારના લોકોને પણ જાહેરનામા અંગે માહિતગાર કરવા શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીના સભ્યોને સૂચના આપવામાં આવી હતી. ઈદના તહેવારમાં મસ્જિદ, મહોલ્લા કે બજારોમાં ભીડ ભેગી કરવાની નથી, પરંતુ લોકો પરિવારના સભ્યો સાથે ઈદની ઉજવણી કરી શકે છે. પરિવારના સભ્યોના ઘરે આવવા જવા પર પણ કોઈ રોકટોક નથી. માત્ર ભીડ અને ટોળાં ભેગા કરવા પર જ પ્રતિબંધ છે.