મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ શિંદે જૂથને CM ઠાકરે સાથે વાત કરીને સમાધાન લાવવા સુપ્રીયા સુલેની સલાહ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહાવિકાસ અઘાડી સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ દ્વારા સરકારને બચાવવા પ્રયાસ થઈ રહ્યાં છે. દરમિયાન હવે એનસીપીના સિનિયર નેતા સુપ્રિયા સુલે પણ શિંદે જૂથને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને સમસ્યાનું સમાધાન લાવવા માટે સલાહ આપી છે.
એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, એકનાથ શિંદે જૂથનો જે પણ પ્રસ્તાવ હોય, આજે ઉદ્ધવ ઠાકરેએ જે અપીલ કરી છે તે એક મોટા ભાઈ તરીકે કરી છે. જે પણ સમસ્યા છે તે ઘરમાં જ હોવી જોઈએ, જે તેઓ આવીને ઉદ્ધવ ટાકરે સાથે વાત કરી શકે તો સમાધાન નિકળી શકે છે, સમસ્યાના સમાધાન માટે વાત કરવી જરૂરી છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અંગે તેમણે કહ્યું હતું કે, હું જ્યોતિષ નથી કે કાલે શું થવાનું તેની જાણકારી હોય.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિવસેનાના એકનાથ શિંદે સહિત 39 ધારાસભ્યો અને અપક્ષ સહિત 50 ધારાસભ્યોએ ઠાકરે સરકાર સામે બાંયો ચડાવી છે. જેથી મહાવિકાસ અઘાડીના સભ્ય કોંગ્રેસ, એનસીપી અને શિવસેનામાં બેઠકોનો દોર શરૂ થયો છે. તેમજ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. બીજી તરફ શિંદે જૂથે શિવેસનાના કોંગ્રેસ અને એનસીપી સાથેના ગઠબંધનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણમાં ભારે ઉથાલ-પુથાલ જોવા મળી રહી છે. આજે સીએમ ઠાકરેએ નારાજ શિંદે જૂથને ભાવનાત્મક પત્ર લખ્યો હતો.