1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર
- આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ
ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં જનતા પાર્ટી માત્ર 31 બેઠકો જીતી શકી હતી. ચૂંટણીના થોડા સમય બાદ એપ્રિલ, 1980માં જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીએ તેના સદસ્યોને પક્ષ અને આરએસએસ એમ બે ઠેકાણે સદસ્યતા પર રોક લગાવી હતી. તેના પરિણામે ભારતીય જનસંઘના સદસ્યોએ જનતા પાર્ટી છોડી દીધી હતી અને નવી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનાવી હતી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી.
ભારતીય જનતા પાર્ટીએ પહેલી ચૂંટણી 1984માં લડી હતી. પોતાની સ્થાપનાથી 1984ના સમયગાળા દરમિયાન ભાજપે ગાંધીવાદી સમાજવાદની વિચારધારા પર ચાલવાની ઘોષણા કરી હતી. 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો અને 7.4 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. આની પાછળ ગાંધીવાદી સમાજવાદની વિચારધારા સિવાય તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાને કારણે દેશભરમાં કોંગ્રેસની તરફેણમાં મોટો સિમ્પથી વેવ પણ ચાલી રહ્યો હતો. જેના કારણે કોંગ્રેસ 415 બેઠકો જીતી હતી. આવા સંજોગોમાં ભાજપને 2 બેઠક મળતા તેના મોવડીમંડળે ચિંતન આરંભ્યું હતું. 1984ની લોકસભા ચૂંટણીના પરિણામો જોયા બાદ ભાજપે હાઈ પાવર્ડ વર્કિંગ કમિટી બનાવી હતી અને આ સમિતિએ નવચેતના માટેના ઉપાયોની ભલામણ કરી હતી.
ભારતીય જનતા પાર્ટીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારાને લગતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને રામજન્મભૂમિ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. 1989ની લોકસભા ચૂંટણીમાં જનતાદળ સાથે ગઠબંધન કરીને ભાજપ ચૂંટણીમાં ઉતર્યું હતું. ભાજપને 1989માં 85 બેઠકો અને 11.4 ટકા વોટ મળ્યા હતા. તેના પછી રામજન્મભૂમિ આંદોલન અને રાષ્ટ્રવાદી મુદ્દાઓ આગળ વધી રહ્યા હતા, તેમ તેમ ભાજપનો પ્રભાવ પણ વધી રહ્યો હતો.
1991માં ભાજપને 120 બેઠકો અને 20.1 ટકા વોટ મળ્યા હતા.
1996માં ભાજપને લોકસભાની ચૂંટણીમાં 161 બેઠકો અને 20.3 ટકા વોટ મળ્યા હતા. ભાજપે અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળ 13 દિવસની કેન્દ્રમાં સરકાર પણ બનાવી હતી. જો કે બહુમતી સાબિત નહીં કરી શકવાની સ્થિતિમાં આ સરકારના સ્થાને એચ. ડી. દેવેગૌડા અને આઈ. કે. ગુજરાલની ગઠબંધન સરકારો સત્તામાં આવી હતી.
લોકસભા ચૂંટણીઓમાં ભાજપનું પ્રદર્શન
વર્ષ બેઠક વોટ
1984 02 7.4 %
1989 85 11.4 %
1991 120 20.1%
1996 161 20.3 %
1998 182 25.6 %
1999 182 23.6 %
2004 138 22.2 %
2009 116 18.8 %
2014 282 31.4 %
2019 303 37.7 %
————-0———————–
1996માં ભારતીય જનતા પાર્ટી એક રીતે રાજકીય અસ્પૃશ્યતાનો સામનો કરી રહી હતી. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી એજન્ડામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ -370 હટાવવો અને યુનિફોર્મ સિવિલ કોડના વચનો આપ્યા હતા. ભારતની તત્કાલિન સેક્યુલર રાજનીતિમાં તુષ્ટિકરણના વાયરસનું સંક્રમણ જબરદસ્ત હતું અને તેને કારણે લઘુમતી વોટબેંક ગુમાવવા નહીં માગતા પોતાને સેક્યુલર ગણાવતા પક્ષો ભાજપની સાથે ગઠબંધન કરવા માટે તૈયાર ન હતા.
જો કે આ સ્થિતિ 1998ની લોકસભાની ચૂંટણીમાં બદલાય અને ભાજપને 182 બેઠકો 25.6 ટકા વોટ મળ્યા હતા. અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળ એનડીએની સરકાર સત્તામાં આવી હતી. આ સરકાર માત્ર 13 માસ ચાલી હતી.
ત્યાર બાદ 1999માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને 182 બેઠકો અને 23.6 ટકા વોટ મળ્યા હતા. ભાજપ ગઠબંધન યુગમાં પ્રવેશવા અને ટકવા માટે મુખ્ય બની ચુકેલા ત્રણ રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર વધુ બોલવાનું ટાળવા લાગ્યું હતું. તેની અસર 1999ની ચૂંટણીમાં 1998થી 2 ટકા ઓછા વોટ પ્રાપ્ત થવાના સ્વરૂપે જોવા મળી હતી. જો કે તેની બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નહીં. પરંતુ વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારે આખી ટર્મ પુરી કરી હતી. ભારતની લોકશાહીના ઈતિહાસમાં પહેલી ગઠબંધન સરકારે પોતાની ટર્મ પૂર્ણ કરી હતી.
જો કે ફીલગુડ અને શાઈનિંગ ઈન્ડિયા કેમ્પેન વચ્ચે ભાજપને 2004ની લોકસભાની ચૂંટણીમાં 138 બેઠકો અને 22.2 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએની પાસે બહુમતી હતી અને તેની સાથે ભાજપને સત્તામાંથી બહાર થવું પડયું હતું. 2009માં પણ ભાજપને 116 બેઠકો અને 18.8 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. ત્યારે પણ યુપીએને બીજી ટર્મ માટે કેન્દ્રમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો.
2013માં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગોવા કારોબારી બેઠકમાં પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. વિકાસવાદ અને હિંદુત્વનો સૌથી મોટો ચહેરો બની ચુકેલા નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી જાહેરસભાઓ સંબોધી અને ધુઆંધાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેના પરિણામે કોંગ્રેસ મુક્ત ભારતના અભિયાન વચ્ચે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 282 બેઠકો અને 31.4 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. 1989 બાદ પહેલીવાર હતું કે કોઈ એક પક્ષને લોકસભામાં બહુમતી મળી હતી.
2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 303 બેઠકો અને 37.7 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.
આમ ભારતીય જનતા પાર્ટી પોતાની સ્થાપનાના 44 વર્ષની અંદર ભારતમાં પાંચ વખત કેન્દ્રમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. જેમાં એક વખત 13 દિવસ, પછી 13 માસ અને ત્રણ વખત સંપૂર્ણટર્મ માટે સરકાર ચલાવવામાં સફળ રહી છે. ત્રણ વખતની પૂર્ણ ટર્મની સરકારમાં પહેલી વખત એનડીએ ગઠબંધન દ્વારા અને બાદમાં બે ચૂંટણીઓમાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકારો ચલાવી છે.
2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 370 કે તેનાથી વધુ બેઠકોનું લક્ષ્ય નક્કી કર્યું છે. તો એનડીએ માટે આ ચૂંટણીમાં 400 પ્લસનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.