કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હતો અને મમતા બેનરજી ફરીથી મુખ્યમંત્રી બન્યાં છે. જો કે, આ ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી(તૃણમૂલ કોંગ્રેસ) વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક તૃણમૂલના નેતાઓ મમતા બેનર્જીનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ખળભળાટ જોવા મળે છે. તાજેતરમાં જ મુકુલ રોય ભાજપનો સાથ છોડીને તૃણમૂલમાં જોડાયાં હતા. એટલું જ નહીં આગામી દિવસોમાં ભાજપના કેટલાક ધારાસભ્યો અને સાંસદ પણ તૃણમૂલમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. ભાજપના 25 ધારાસભ્યો અને બે સાંસદો તૃણમૂલના સતત સંપર્કમાં હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજકીય ખેંચતાણ જોવા મળી રહ્યું છે. ચૂંટણી અગાઉ તૃણમૂલનો સાથ છોડીને ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓ ઘર વાપસી માટે તૈયારી કરી રહ્યાં છે. બીજી તરફ મમતા બેનર્જી આવા નેતાઓને પરત પક્ષમાં લેવના મૂડમાં નથી. તાજેતરમાં જ મુકુલ રોય ભાજપ છોડીને પરત ટીએમસીમાં જોડાયાં હતા. તેમજ ભાજપના કેટલાક નેતાઓ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હોવાનું જાણવા મળે છે.
મુકુલ રોયના દીકરા શુભ્રાંગ્શુએ જણાવ્યું કે ભાજપના ઓછામાં ઓછા 25 ધારાસભ્યો અને 2 સાંસદ ટીએમસીમાં જલ્દી સામેલ થઈ શકે છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે જે કર્યુ તેનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. તેમણે કહ્યુ કે ભાજપમાં આવ્યા બાદથી તેમના પિતા મુકુલ રોય પર ઘણું દબાણ હતુ. આ દબાણના કારણે તેમના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ. તેમણે પોતાના ખરાબ તબિયતના કારણે વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ ન લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં મુકુલ રોય અને તેમનો દીકરો શુભીંગ્શુ તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાં હતા. એટલું જ નહીં પોતાની સાથે સમર્થકોને પણ ભાજપમાં લઈ ગયા હતા.