મુખ્તાર અંસારીના મોત પર રાજકીય બબાલ શરૂ, BSPથી લઈને AIMIMએ ઝેર આપવાના દાવાની તપાસની કરી માંગ
નવી દિલ્હી: યુપીની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા અને ડૉન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મેડિકલ કોલેજ બાંદાએ મોતની પુષ્ટિ કરી છે. આખા યુપીમાં પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. મઉ, ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. તો અંસારીના મોત પર રાજકીય બબાલ પણ શરૂ થઈ ચુકી છે. બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસથી લઈને એઆઈએમઆઈએમ સુધીની પાર્ટીઓએ યુપીના ભૂતપૂર્વ ધારાસભ્યના મોતને લઈને સવાલ ઉભા કરી દીધા છે.
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી, આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મુખ્તાર અંસારીના મોતને નિંદનીય અને અફસોસજનક ગણાવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે બે દિવસ પહેલા જ્યારે મુખ્તાર અંસારીની તબિયત કથલી હતી, ત્યારે તેને જેલમાંથી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો. ત્યારે તેના ભાઈ અફઝાલ અને તેના પુત્ર ઉમર અબ્બાસે મોતની આશંકા વ્યક્ત કરી હતી. જેલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અફઝાલે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે તેના ભાઈને જેલમાં ઝેર અપાય રહ્યું છે. 63 વર્ષનો અંસારી મઉ સદરથી પાંચ વાર ધારાસભ્ય રહી ચુક્યો હતો. તેની વિરુદ્ધ 60થી વધારે ગુનાહિત મામલા પેન્ડિંગ હતા.
બીએસપી પ્રમુખ માયાવતીએ કહ્યું કે મુખ્તાર અંસારીના જેલમાં થયેલા મોતને લઈને તેમના પરિવાર દ્વારા જે સતત આશંકાઓ અને ગંભીર આરોપ લગાવાય રહ્યા છે, તેની ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી છે. જેથી તેના મોતના યોગ્ય તથ્ય સામે આવી શકે. તેવામાં તેના પરિવારનું દુખી થવાનું સ્વાભાવિક છે. કુદરત તેમને આ દુખ સહન કરવાની શક્તિ આપે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યુ છે કે કોઈપણ સંજોગોમાં અને કોઈપણ સ્થાને કોઈના જીવનની સુરક્ષા કરવી સરકારનું સૌથી પહેલું કર્તવ્ય અને દાયિત્વ હોય છે. સરકારો પર નિમ્નલિખિત સ્થિતિઓમાંથી કોઈપણ સ્થિતિમાં, કોઈપણ બંધક અથવા કેદીઓનું મૃત્યુ થવું, ન્યાયિક પ્રક્રિયાથી લોકોનો વિશ્વાસ ઉઠા઼ડી દેશે.
તેમણે આગળ કહ્યુ છે કે પોલીસ સ્ટેશનમાં બંદ રહેવા દરમિયાન, જેલમાં પરસ્પર ઝઘડામાં, જેલની અંદર બીમાર હોવા પર, કોર્ટમાંથી લઈ જતી વખતે, હોસ્પિટલમાંથી લઈ જતી વખતે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન, ખોટી અથડામણ દર્શાવીને, ખોટી આત્મહત્યા દેખાડીને, કોઈ દુર્ઘટનામાં જાનહાનિ દેખાડીને વગેરે આવા તમામ શંકાસ્પદ મામલાઓમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના મોનિટરિંગમાં તપાસ થવી જોઈએ.
અખિલેશ યાદવે કહ્યુ છે કે સરકાર ન્યાયિક પ્રક્રિયાને દરકિનાર કરી જે પ્રકારે અન્ય માર્ગ અપનાવે છે, તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જે હુકૂમત જિંદગીની હિફાઝત ન કરી શકે, તેને સત્તામાં રહેવાનો કોઈ હક નથી. યુપી સરકારી અરાજકતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ યુપીમાં કાયદો-વ્યવસ્થાનો શૂન્યકાળ છે.
આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યુ છે કે કેટલાક દિવસ પહેલા તેમણે ફરિયાદ કરી હતી કે તેમને જેલમાં ઝેર આપવામાં આવ્યું છે, પછી પણ તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી. પ્રથમ દ્રષ્ટિએ આ યોગ્ય અને માનવીય લાગતું નથી. બંધારણીય સંસ્થાઓએ આવા અજીબ મામલાઓ અને ઘટનાઓને ખુદ ધ્યાને લેવી જોઈએ.
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ અંસારીના ભાઈ દ્વારા લગાવાયેલા આરોપો પર ભાર મૂકીને તપાસની માગણી કરી છે. ઓવૈસીએ કહ્યુ છે કે ગાઝીપુરના લોકોએ પોતાનો માનીતો દિકરો અને ભાઈ ગુમાવ્યો. મુખ્તારે પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે તેમને ઝેર આપવામાં આવ્યું છે. તેમ છતાં સરકારે તેમની સારવાર પર કોઈ ધ્યાન આપ્યું નથી. તે ખરેખર નિંદનીય અને અફસોસજનક છે.
કોંગ્રેસમાં સામેલ થયેલા બિહારના પૂર્વ સાંસદ પપ્પૂ યાદવે અંસારીના મોતને સંસ્થાગત હત્યા ગણાવી અને મામલામાં કોર્ટના મોનિટરિંગ હેઠળ તપાસની માગણી કરી છે. તેમણે કહ્યુ છે કે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની સંસ્થાનિક હત્યા. કાયદો, બંધારણ અને કુદરતી ન્યાયને દફન કરવા જેવી છે.
તેમણે આગળ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખુદ આને ધ્યાન પર લે. તેમના દિશાનિર્દેશ હેઠળ તટસ્થ તપાસ થાય. ઘણાં દિવસોથી મુખ્તાર આરોપ લગાવી રહ્યા હતા કે તેમને ઝેર અપાય રહ્યું છે. તેમના સાંસદ ભાઈએ પણ આ આરોપ લગાવ્યા હતા. દેશની બંધારણીય વ્યવસ્થા માટે અમિટ કલંક.