સરકાર બનાવવા તડજોડની રાજનીતિ શરૂ, I.N.D.I.Aએ નીતિશકુમારને નાયબ વડાપ્રધાન પદ ઓફર કર્યું
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે ધીમે-ધીમે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. કેન્દ્રમાં ફરી એકવાર એનડીએની સરકાર બની રહી છે. જો કે, ઈન્ડી ગઠબંધનની બેઠકો પણ 240 જેટલી છે. જેથી કેન્દ્રમાં સરકાર બનાવવા માટે તડજોડની રણનીતિ શરૂ કરાઈ છે. ઈન્ડી ગઠબંધને નીતિશકુમારને નાયબ વડાપ્રધાન પદની ઓફર કરી છે. બીજી તરફ કોંગ્રેસે નીતિશકુમારની સાથે ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણચંદ્રબાબુ નાયડુ સાથે ફોન ઉપર વાત કરી હતી. જ્યારે નીતિશ કુમારે બિહારના નાયબમુખ્યમંત્રી અને ભાજપ નેતા સાથે વાત કરવાનું ટાળ્યું હોવાનું જાણવા મળે છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો હજુ સુધી જાહેર થયાં નથી પરંતુ એનડીએ અને ઈન્ડી ગઠબંધનમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. એનડીએને 295થી 310 બેઠક મળવાની આશા છે. જ્યારે ઈન્ડી ગઠબંધનને 240થી 250 બેઠકો મળી રહી છે. ત્યારે એનડીએના સભ્ય પક્ષ જેડીયુ બિહારમાં 14 બેઠકો ઉપર આગળ છે. જેથી ઈન્ડી ગઠબંધન દ્વારા સરકાર બનાવવા માટે નીતિશકુમારનો સંપર્ક કર્યો હતો. શરદ પવારે એનડીએના સભ્ય નીતિશકુમાર સાથે વાત કરી હતી. જ્યારે સ્ટાલિને ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા માટે રાજ્ય ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી તેમના નિવાસસ્થાન પહોંચ્યાં હતા. જો કે, નીતિશકુમારે સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરવાનું ટાળ્યું હોવાનું જાણવા મળે છે.
છ મહિના પૂર્વે ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે નીતિશકુમાર અને મનતા બેનર્જીએ વિપક્ષને એક કરવા અભિયાન શરૂ કર્યું હતું. તેમજ તમામ વિપક્ષી પાર્ટીઓ એક જ છત નીચે એકઠી થઈ હતી. જો કે, વડાપ્રધાન પદને લઈને વિવાદ થતા નીતિશકુમાર ગઠબંધનથી દૂર થયાં હતા. તેમજ ભાજપાની આગેવાની હેઠળની એનડીએમાં જોડાયાં હતા.