નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું.
પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે સાત કલાકે મતદાન યોજાયું હતું. વહેલી સવારથી જ મતદાન માટે મતદારોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. સાંજના પાંચ કલાક સુધીમાં જમ્મુ કાશ્મીરમાં 65.08, ઉત્તરાખંડમાં 53.56 ટકા, ઉત્તરપ્રદેશમાં 57.54 ટકા, રાજસ્થાનમાં 50.27 ટકા, બિહારમાં 46.32 ટકા, મધ્યપ્રદેશમાં 63.25 ટકા, મહારાષ્ટ્રમાં 54.85 ટકા અને છત્તીસગઢમાં 63.41 ટકા મતદાન થયું હતું.
સિક્કિમમાં 68.06 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા, પોંડીચેરીમાં 72.84 ટકા, તમિલનાડુમાં 62.08 ટકા, લક્ષદીપમાં 59.02 ટકા, અંડમાન નિકોબારમાં 56.87 ટકા, અરૂણાચલ પ્રદેશમાં 63.92 ટકા, ત્રિપુરામાં 76.10 ટકા, અસમમાં 70.77 ટકા, મણિપુરમાં 68.47 ટકા, મેઘાલયમાં 69.91, મિઝોરમમાં 52.91 ટકા અને નાગાલેન્ડમાં 55.97 ટકા જેટલું મતદાન થયું હતું. સાંજના સાત વાગે મતદાન પૂર્ણ થયું હતું. મતદાન પૂર્ણ થયું ત્યારે કેટલા ટકા મતદાન થયું તેની મોટે સુધી ગણતરી કરવામાં આવશે.
રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની આઠ, મધ્ય પ્રદેશની છ, બિહારની ચાર, પશ્ચિમ બંગાળની ત્રણ, આસામ અને મહારાષ્ટ્રની પાંચ, મણિપુરની બે, ત્રિપુરાની એક, જમ્મુ અને કાશ્મીરની એક અને છત્તીસગઢની એક બેઠક, તમિલનાડુની 39, મેઘાલયની બે, ઉત્તરાખંડની પાંચ, અરુણાચલ પ્રદેશની બે, આંદામાન નિકોબાર ટાપુઓની એક, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, પુડુચેરીની એક અને એક લોકસભા બેઠક પર મતદાન યોજાયું હતું.