નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો ઉપર એક જ તબક્કામાં તા. 10મી મેના રોજ મતદાન યોજાશે અને 13મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. કર્ણાટક વિધાનસભાનો હાલનો કાર્યકાળ તા. 24મી મેના રોજ પૂર્ણ થશે. રાજ્યના 5.22 કરોડ મતદારો રાજકીય પાર્ટી અને તેમના ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.
કર્ણાટક વિધાનસભાની તારીખોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોવામાં આવી રહી હતી. દરમિયાન આજે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ અંગે તા. 13મી એપ્રિલના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. 20મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 24મી એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વિધાનસભાની 224 બેઠકો ઉપર 58282 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. પોલીસ સ્ટેશન ઉપર લગભગ 883 મતદારો રહેશે. ચૂંટણી પંચે કર્ણાટકમાં 240 મોડલ મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે.
ચૂંટણી પંચે કહ્યું હતું કે, કર્ણાટકમાં નવા મતદારોને જોડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વૃદ્ધ મતદારો માટે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. 80 વર્ષથી વધુની ઉંમરના મતદારો ઘરેથી મતદાન કરી શકશે. રાજીવ કુમારે જણાવ્યું કે, 18થી 19 વર્ષના પ્રથમવાર મતદાન કરનારા લગભગ 9.17 લાખ મતદારો છે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, 35 બેઠક એસસી, 15 બેઠક એસટી માટે અનામત રાખવામાં આવી છે. આ ચૂંટણીમાં 5.22 કરોડ મતદારો મતદાન કરશે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને અગાઉથી જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડી છે. તેમજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળશે.