દિલ્લીમાં પ્રદૂષણ બની રહ્યું છે જીવલેણ,એર ક્વોલિટી ઈન્ડેક્ષનો આંક 386
- દિલ્લીમાં વાયુપ્રદૂષણ અતિજોખમી સ્તર પર
- AQIનો આંક 386 જેટલો
- લોકો પ્રદૂષિત હવામાં જીવવા મજબૂર
દિલ્લી :રાજધાની દિલ્લીની આજુબાજુના રાજ્યોમાં પરાળના કારણે વાતાવરણ વધારે પ્રદૂષણભર્યું બન્યું છે. દિલ્લીમાં વાહનોની અવરજવર તથા ફેક્ટરીઓના કારણે દિલ્લીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ (AQI) સતત બગડી રહ્યો છે. જો વાત કરવામાં આવે દિલ્લીના હાલના AQIની તો તે અત્યારે 386 છે જે AQI સ્વાસ્થ્ય માટે અતિ જોખમી છે.
દિલ્લીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લોકોને ફટાકડા ન ફોડવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી, પણ લોકો દ્વારા તે વાત પર ધ્યાન આપવામાં આવ્યું નહી. દિલ્લીમાં ફેક્ટરી, પ્રદૂષણ, વાહનો આ બધુ તો છે જે પ્રદૂષણ માટે જવાબદાર છે પરંતુ દર વર્ષે વર્ષના અંત પર ખેડૂતો દ્વારા કરવામાં આવતી પરાળના કારણે પણ પ્રદૂષણનો આંક વધી જાય છે. પરાળ એટલે કે ખેતરમાંથી પાક લઈ લીધા પછી જમીનમાં છેલ્લે થોડો ગણો પાક જે બચી ગયો હોય જેને નષ્ટ કરવા માટે ખેડૂત તેને બાળી નાખે છે. આ પ્રકારની ઘટનાથી પ્રદૂષણનું સ્તર વધી જાય છે.
દિલ્લીમાં સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે પણ પ્રદૂષણ છે કે જેના પર કોઈ નિયંત્રણ આવી શકતુ નથી. દિલ્લીમાં 3 કરોડથી વધારે લોકો રહે છે અને શહેરમાં 1 કરોડથી વધારે ગાડીઓ રસ્તા પર દોડી રહી છે. દિલ્લીમાં ઓડ-ઈવન સિસ્ટમ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે પરંતુ હવે સાથે અઠવાડિયામાં એક દિવસ ગાડીને ઓછી ચલાવવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે.