પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પ્રદુષણનું જોખમ વધ્યું, સરકારે સ્મોગ કટોકટી લાગુ કરી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પ્રદુષણની સમસ્યા ઉભી થઈ છે. જેને નાથવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ પ્રદુષણના સ્તરમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પ્રદુષણનું સ્તર ચિંતાજનક રીતે વધતા કાર્યવાહક સરકાર સફાળી જાગી છે. તેમજ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્મોગ ઈમરજન્સી લાદી છે. તેમજ લોકોને માસ્કનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
પાકિસ્તાનની પંજાબની કાર્યવાહક સરકારે 127 મિલિયન વસ્તીવાળા પ્રાંતમાં સ્મોગ કટોકટી લાદી છે. પ્રાંતીય રાજધાની વિશ્વભરના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે. સતત જોખમી હવા ગુણવત્તા સૂચકાંકને કારણે લાહોરમાં તાત્કાલિક સ્મોગ ઈમરજન્સી લાદવાના લાહોર હાઈકોર્ટના આદેશને પગલે સરકારનો આ નિર્ણય આવ્યો છે. LHCના ન્યાયાધીશ શાહિદ કરીમે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં નિષ્ફળતા બદલ લાહોરના કમિશનરને આડેહાથ લીધા હતા. ન્યાયાધીશે કહ્યું હતું કે, સ્મોગ મારી અંગત સમસ્યા નથી, પરંતુ તે અમારા બાળકોના જીવન માટે ચિંતાનો વિષય છે. તમે લાહોર શહેરના રક્ષક છો. તમે તેની સાથે શું કર્યું તે જુઓ, લાહોરની સ્થિતિ જોઈને તમને શરમ આવવી જોઈએ. લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે. સોમવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 447 પર પહોંચી ગયો હતો.
પંજાબની કાર્યવાહક સરકારે કહ્યું કે સમગ્ર પંજાબ પ્રાંતમાં સ્મોગ ઈમરજન્સી લાદવામાં આવી છે અને તમામ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પણ એક મહિના સુધી સતત માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે તેમણે સામાન્ય લોકોને માસ્કનો ઉપયોગ કરવાની પણ વિનંતી કરી છે. એટલું જ નહીં બાંધકામ સાઈટને લઈને કટક નિર્દેશ કરવામાં આવ્યાં છે.