રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગરમી વધતી જાય છે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા માટે પાંજરામાં વિશાળ પોન્ડ (તળાવ) બનાવવામાં આવ્યું છે. જ્યારે ભારે ગરમી હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. આ સાથે જ પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા સીસ્ટમ તેમજ તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર પણ બનાવવામાં આવ્યા છે. તેમજ કૂલર મુકીને ઠંડક આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, દીપડાં, સિંહ, રિંછ સહિત અનેક પ્રાણીઓ અને દેશ વિદેશના અનેક પક્ષીઓ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતી ઝૂની મુલાકાતે આવે છે. ત્યારે પ્રાણીઓ અને પક્ષીઓને દરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં વાઘ. અને સિંહ માટે પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ બનાવાયા છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે. તેમજ ઝૂમાં વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવી છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે. આ ઉપરાંત તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જેના ઉપર પ્રાણીઓ બેસી ગરમીથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે. બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાઓની અંદર પૂરતી માત્રામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ ગરમીથી રાહત મેળવી રહ્યા છે.
પ્રદ્યુમન પાર્ક ઝૂના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝૂમાં જુદી-જુદી 67 પ્રજાતિનાં કુલ 564 વન્યપ્રાણી-પક્ષીઓ છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદીજુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોવાથી સખત તાપ ઉપરાંત ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય તે માટે તેઓની કુદરતી પ્રકૃતી અનુસાર ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.