રાજકોટઃ અષાઢ મહિનો પુરો થવાની તૈયારીમાં છે અને શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે, શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. જેમાં સાતમ-આઠમનો તહેવાર ઘરે ઘરે ઉત્સાહથી મનાવવામાં આવતો હોય છે. ત્યારે ગરીબ પરિવારો પણ ઉત્સાહને માણી શકે તે માટે સરકારે ગરીબ પરિવારોને રેશનિંગની દુકાનો પરથી વધારાની એક કિલો ખાંડ અને એક લીટર તેલ આપવાનો નિર્ણય કર્યો છે.
પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટ્રમીના આગામી તહેવારો ગરીબ પરિવારો પણ ઊજવી શકે તે માટે સસ્તા અનાજની દુકાનો પરથી રેશનકાર્ડ પર અપાતા નિયમિત જથ્થા ઉપરાંત વધારાની એક કિલો ખાંડ અને એક લીટર તેલ આપવામાં આવશે. વધારાની એક કિલો ખાંડ જે આગામી મહિનાના વિતરણમાં આપવાની થશે તેનો ભાવ બીપીએલ કાર્ડ ધારકો માટે રૂપિયા 22 અને અંત્યોદય કાર્ડ ધારકો માટે પિયા 15 નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વધારાનું એક લીટર તેલ પણ આપવામાં આવશે પરંતુ તેનો ભાવ હજુ નક્કી કરાયો નથી. એકાદ બે દિવસમાં ગાંધીનગરથી આ અંગેની સૂચના આવી જશે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાતમ-આઠમના તહેવારોમાં મીઠાઈ અને તૈયાર ફરસાણની ડિમાન્ડ વધી જતી હોય છે અને ત્યારે વેપારીઓ દ્વારા એકાએક ભાવ વધારો કરી દેવામાં આવતો હોય છે. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જિલ્લા પુરવઠા અધિકારીએ શહેરના મીઠાઈ અને ફરસાણના વેપારીઓ, ડેરીના સંચાલકો વગેરેને મિટિંગ માટે બોલાવ્યા હતા પરંતુ આ મિટિંગમાં કોઈ હાજર ન રહેતા હવે શું કરવું તેનું માર્ગદર્શન કલેકટર પાસેથી મેળવવામાં આવશે. મિટિંગમાં શા માટે ગેરહાજર ન રહ્યા? એવો સવાલ ફરસાણાના અમુક વેપારીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ફરસાણના એક વેપારીને ત્યાં આગ લાગી હોવાથી અમે આ મિટિંગમાં હાજર રહ્યા ન હતા.