Site icon Revoi.in

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન, 46 રનમાં ઓલઆઉટ

Social Share

નવી દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદથી વિક્ષેપિત આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પરિણામ ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવ્યું ન હતું. ગુરુવારે મેચનો બીજો દિવસ છે. લંચ બાદ ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 31.2 ઓવરમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગયો હતો.

મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે આ મહિનાની શરૂઆતમાં કાનપુરમાં બાંગ્લાદેશને હરાવનાર ટીમમાં બે ફેરફાર કર્યા હતા. શુભમન ગિલના સ્થાને સરફરાઝ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે ઝડપી બોલર આકાશ દીપની જગ્યાએ સ્પિનર ​​કુલદીપ યાદવને તક મળી હતી.

અનુકૂળ પરિસ્થિતિઓમાં, ન્યુઝીલેન્ડના ત્રણ ઝડપી બોલરોએ સ્વિંગ અને સીમથી ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. વરસાદે 35 મિનિટ સુધી રમતમાં વિક્ષેપ પાડ્યા બાદ, મુલાકાતી બોલરોએ દબાણ જાળવી રાખવા માટે બેક ઓફ લેન્થ બોલનો સારો ઉપયોગ કર્યો અને ભારતને મુશ્કેલીમાં મૂક્યું.

પ્રથમ સેશનમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો. આ સેશનમાં ભારતીય ટીમે 34 રન બનાવીને 6 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમના 4 બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. વિલિયમ ઓ’રોર્કે 3 વિકેટ લીધી હતી જ્યારે મેટ હેનરીને એક વિકેટ મળી હતી. ટિમ સાઉથીએ પણ એક વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીને ત્રીજા નંબર પર પ્રમોટ કરવામાં આવતા મેદાન પર હાજર દર્શકોમાં ઘણો આનંદ હતો, પરંતુ વિલિયમ્સે કોહલીને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત મોકલી દેતાં તેનો અંત આવ્યો હતો. જો ટોમ બ્લંડેલે સાતમા રન પર ઋષભ પંતનો કેચ ન છોડ્યો હોત તો ભારતે તેની સાતમી વિકેટ ગુમાવી દીધી હોત. જોકે, તે આ તકનો વધારે ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને 20 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. મેટ હેનરીએ 5 અને વિલિયમ ઓ’રર્કે 3 વિકેટ ઝડપી હતી. હોમ ગ્રાઉન્ડ પર ભારતનો આ સૌથી નાનો સ્કોર છે.