Site icon Revoi.in

રેલવેની ટિકિટ બારી પર ઓનલાઈન પેમેન્ટ સુવિધાને નબળો પ્રતિસાદ

Social Share

ભાવનગરઃ રેલવે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તમામ રેલવે સ્ટેશનોની બારીઓ પર ક્યુઆર કોડ મુકવામાં આવ્યા છે.  પ્રવાસીઓ પોતાના મોબાઈલફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરીને ટિકિટ મેળવી શકે છે. પરંતુ આ સેવાને પ્રવાસીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. કારણ કે 95 ટકા પ્રવાસીઓ રોકડ રૂપિયા આપીને જ ટિકિટ લેતા હોય છે.

ભાવનગર રેલવે ડિવિઝનમાં ક્યુઆર કોડથી ચૂકવણીની સુવિધા છતાં હાલ ટ્રેનોની ટિકિટ ખરીદીમાં મુસાફરો દ્વારા 95 ટકા રોકડમાં ચૂકવણી થઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો મુસાફરો ટિકિટ મેળવવા માત્ર પાંચ ટકા જ ઓનલાઈન પેમેન્ટ કરે છે. મુસાફરો દ્વારા આરક્ષિત ટિકિટ માટે 8.42  ટકા જ્યારે અનારક્ષિત ટિકિટ માટે 1.72  ટકા ઓનલાઇન ચૂકવણી કરવામાં આવે છે.

સૂત્રોના કહેવા મુજબ ભાવનગર રેલવે ડિવિઝનમાં આરક્ષિત ટિકિટ (PRS) અને અનારક્ષિત ટિકિટ (UTS) મેળવવા માટે પ્રવાસીઓ દ્વારા રોકડ રકમથી અને ઓનલાઈન એમ બે મોડમાં ચૂકવણી કરવામાં આવતી હોય છે. છેલ્લા ત્રણ દિવસના પ્રવાસીઓની સંખ્યા અને પેમેન્ટની ચૂકવણી અંગેના આંકડા પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, આરક્ષિત ટિકિટ મેળવવા માટે પ્રવાસીઓએ વધુ રોકડ આપીને ટિકિટની ખરીદી કરી હતી.  રોકડથી ટિકિટ ખરીદતી વખતે કેટલીક વાર છૂટ્ટા પૈસાના પ્રશ્નો સર્જાય છે. તેને નિવારવા માટે ઓનલાઈન પેમેન્ટ વધુ ઉપકારક નિવડતું હોય છે. આમ છતાં, રેલવે મુસાફરી માટે આરક્ષિત (પીઆરએસ) હોય કે પછી અનારક્ષિત (યુટીએસ) ટિકિટ મેળવવા ઓનલાઈન ચૂકવણી હજુ ૫ ટકા મુસાફર જ કરે છે. આ જોતા મુસાફરોમાં ઓનલાઈન પેમેન્ટના મોડને સ્વીકૃત બનતા સમય લાગશે.