ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે રિબેટ યોજના અમલી બનાવી હતી. પણ તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ચાલુ વર્ષે પ્રથમથી જ પ્રોપર્ટી ટેક્સ વસૂલાતમાં ધાંધિયા થવાને કારણે યોગ્ય સફળતા મળી નથી. એક મહિનો લંબાવાયેલી વેરા વળતર (રિબેટ) યોજના 30 જૂને પૂરી થવા આડે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે છતાં હજુ સુધી 80 કરોડના માંગણા સામે માત્ર 36 કરોડ રૂપિયાની આવક થઇ છે. શહેરના 1.70 લાખ મિલકતધારકો પૈકી અત્યાર સુધીમાં 75 હજાર પ્રોપર્ટીધારકોએ વેરો ભર્યો છે જ્યારે હજુ 95 હજાર નાગરિકોએ હજુ પણ ટેક્સ ભરપાઇ કર્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી બિલો નાગરિકોને મોકલવામાં ભારે બેદરકારી દાખવવામાં આવી હતી. નોટીસ પિરીયડ પછી પણ નાગરિકોને બિલ પહોંચ્યા ન હતા. અખરે મ્યુનિ. કમિશનર કક્ષાએથી મામલો હાથ પર લેવાતા બિલોનું વિતરણ ઝડપી કરાયું હતું. વોટ્સએપ પર 18 હજાર જેટલા બિલોનું વિતરણ કરવામાં આવ્યું છે. જીએમસીના અધિકારીઓ કહી રહ્યા છે. કે, અત્યારસુધીમાં 98 ટકા બિલોનું વિતરણ થઇ ગયું છે. 75 હજાર લોકોએ વેરો ભરપાઇ કર્યો છે તે પૈકી 40 ટકા લોકોએ ઓનલાઇન વેરો ભર્યો છે. તંત્ર દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 123 ટકા વધુ વેરાની વસૂલાત થઇ છે. ગત વર્ષે આ સમય સુધીમાં 45 હજાર પ્રોપર્ટી ધારકોએ 29.95 કરોડનો ટેક્સ ભર્યો હતો જ્યારે આ વર્ષે 23 જૂન સુધીમાં 75 હજાર પ્રોપર્ટી ધારકોએ 36.65 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને અત્યારસુધીમાં 36 કરોડ રૂપિયાની આવક થઇ છે જે પૈકી 50 ટકા જેટલી એટલે કે 17.65 કરોડ રૂપિયાની આવક સાઉથ ઝોનમાંથી આવી છે. સાઉથ ઝોનમાં કુડાસણ, સરગાસણ, ભાટ, ખોરજ, ઝુંડાલ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉત્તર ઝોનમાંથી 9.33 કરોડ અને મધ્ય ઝોનમાંથી 8.83 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલાયો છે.