પોરબંદરના વેટલેન્ડ વિસ્તારમાં દેશ-વિદેશના પક્ષીઓની વસતી ગણતરી, 9 લાખ પક્ષીઓ નોંધાયા
પોરબંદરઃ રાજ્યમાં નળ સરોવર, થ્રોળનું તળાવ, કચ્છનું નાનુ રણ સહિત અનેક વિસ્તારોમાં શિયાળા દરમિયાન વિદેશથી અનેક પક્ષીઓ આવતા હોય છે. જેમાં પારબંદરના વેટલેન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં તો દેશ-વિદેશના મોટી સંખ્યામાં પક્ષીઓ વિહાર કરતા હોય છે. જેમાં કુંજ, હંસ, બતક, ફ્લેમીગો, ભગતડા અને કલો સહિતના રંગબેરંગી પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. તાજેતરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. પક્ષી ગણતરીમાં છેલ્લા 10 વર્ષની સરખામણીમાં સૌથી વધુ પક્ષીઓ આ વર્ષે નોંધાયા છે. એટલે કે 9 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા હતા.
સુરખાબી નગરી પોરબંદરમાં વિવિધ વેટલેન્ડમાં દર વર્ષે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે આ પક્ષીઓની સંખ્યા જાણવા માટે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. પક્ષી ગણતરીમાં છેલ્લા 10 વર્ષની સરખામણીમાં સૌથી વધુ પક્ષીઓ આ વર્ષે નોંધાયા છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા સતત ત્રણ વર્ષથી પોરબંદર જિલ્લામાં પક્ષી ગણતરી યોજાઈ રહી છે. ત્યારે આ વર્ષે પોરબંદર ખાતે 3-4 ફેબ્રુઆરીના રોજ દેશભરમાંથી અંદાજિત 60 જેટલા પક્ષી પ્રેમીઓ દ્રારા 17 જેટલી ટીમો બનાવીને પોરબંદર જિલ્લાના જળપ્લાવિત વિસ્તારોની પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી.
પોરબંદરના વેટલેન્ડમાં પક્ષી ગણતરીના આંકડા પર નજર કરીએ તો, આ વર્ષે કુલ 9,69,728 જેટલા પક્ષીઓની રેકોર્ડ બ્રેક નોંધણી થઈ છે. ગત વર્ષે અંદાજીત 5,70,109 જેટલા પક્ષીઓ નોંધાયા હતા. જિલ્લામાં સૌથી પક્ષીઓની હાજરી મેઢાક્રિક વિસ્તારમાં નોંધાઈ હતી. જેમાં 6,47,420 લાખ પક્ષીઓ નોંધાયા છે. આ પક્ષી ગણતરીમાં સૌથી વધારે પક્ષીઓ કુંજ, હંસ, બતક, ફ્લેમીગો, ભગતડા અને કલો જેવા પક્ષીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વેટલેન્ડમાં શિયાળાની ઋતુ દરમિયાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા હોય છે.